An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ईशोपनिषत्

     
   
< BACK

< Isopanishad >

NEXT >

Verse 16

 

पूषन्नेकर्षे यम सूर्य प्राजापत्य

व्यूह रश्मीन् समूह तेजः ।

यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि

योऽसावसौ पुरुषः सोऽहमस्मि ॥१६॥

 

અર્થઃ

પૂષન્ - હે ભક્તોનું પોષણ કરનારા

એકર્ષે - હે મુખ્ય જ્ઞાનસ્વરૂપ !

યમ - હે સૌના નિયંતા

સૂર્ય - ભક્તો તથા જ્ઞાનીઓના પરમ ધ્યેયરૂપ

પ્રાજાપત્ય - હે પ્રજાપતિના પ્રિય

રશ્મીન્ - આ રશ્મિસમૂહને

વ્યૂહ - એકત્ર કરો કે હઠાવી લો

તેજઃ - આ તેજને

સમૂહ - સમેટી લો અથવા તમારા તેજમાં મેળવી દો

યત્ - જે

તે - તમારું

કલ્યાણતમમ્ - અતિશય કલ્યાણમય

રૂપમ્ - દિવ્ય સ્વરૂપ છે

તત્ - તે

તે - તમારા દિવ્ય સ્વરૂપને

પશ્યામિ - તમારી કૃપાથી જોઇ રહ્યો છું

યઃ - જે

અસૌ - એ (સૂર્યનો આત્મા) છે.

અસૌ - એ

પુરુષઃ - પરમ પુરુષ (તમારું જ સ્વરૂપ છે).

અહમ્ - હું (પણ)

સઃ અસ્મિ - તે જ છું.

 

ભાવાર્થઃ

આ શ્ર્લોકમાં પરમાત્માનો પરિચય જુદીજુદી રીતે કરાવવામાં આવ્યો છે. પરમાત્માને જુદાજુદા નામથી સંબોધવામાં આવ્યા છે. પરમાત્માનું કોઇ વિશિષ્ટ નામ નથી તોપણ જ્ઞાની, તપસ્વી, આરાધકો અને ભક્તજનોએ ભાવભક્તિથી પ્રેરાઇને એમને જુદીજુદી રીતે પ્રાર્થ્યા કે પોકાર્યા છે. એટલે જ વેદ અને ઉપનિષદમાં એમના અનેકવિધ નામોનું દર્શન થાય છે. અહીં એમને શરણાગત પ્રેમી ભક્તોનું પોષણ કરનારા કહ્યા છે. જે ભક્તો એમનું સ્મરણમનન કરે છે ને ધ્યાન કરે છે તે લોકોનું તે પોષણ કરે છે. પોષણ એટલે સ્થૂળ પાલનપોષણ નહિ પરંતુ પોતાના પ્રેમ અને પોતાની કૃપાનું પોષણ. ભક્તોનું સાચું મૂળભૂત પોષણ એમને ઓછુંવત્તું ધન મળે અથવા અન્ન મળે તે નથી; એમની સાંસારિક જવાબદારીઓ અને વ્યવહારિક આવશ્યકતાઓની પૂર્તિ કરવી એ પણ નથી. એમનું સાચું પોષણ તો એમની શ્રદ્ધાભક્તિની અખંડતા, સમર્પણવૃતિની પ્રબળતા અને એમના પર થનારી પરમાત્માની પરમકૃપાની વર્ષા છે. એથી અનુગૃહિત કરીને પરમાત્મા એમનું સર્વ પ્રકારે, માળીની માવજત કરતાં પણ વિશેષ માવજતથી પોષણ કરે છે જેથી એમના સાધનાત્મક જીવનના છોડ અકાળે કરમાઇ કે સુકાઇ ના જાય.

પરમાત્મા પરમપવિત્ર જ્ઞાનસ્વરૂપ છે. જે એમનું શરણ લે છે અને એમની સાથે સંબંધ બાંધે છે તેમને પરમપવિત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ સહેલાઇથી થઇ રહે છે. એમની અવિદ્યાની આત્યંતિક નિવૃતિ સહજ બને છે.

ભક્તો તથા જ્ઞાનીઓ ભક્તિ અને જ્ઞાનનો આધાર શા માટે લે છે ? પરમાત્માની કૃપા-પ્રાપ્તિ તથા પપરમાત્માના દર્શનને માટે. એમની જીવનસાધનાનું મુખ્ય પ્રયોજન એ જ હોય છે. પરમાત્મા એટલા માટે જ ભક્તો તથા જ્ઞાનીઓના પરમધ્યેયરૂપ છે.

પરમાત્માને યમ તથા પ્રજાપત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ સૌના નિયંતા અને પ્રજાપતિના પરમપ્રિય છે. પ્રજાપતિ બ્રહ્મા એમના જ આધારે, એમની જ શક્તિથી શ્વાસ લે છે. એ જડચેતનાત્મક સમસ્ત જગતનું નિયંત્રણ કરે છે. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वेदान्प्रहिळोति तस्मै । 'જે બ્રહેમાને પહેલાં પ્રકટ કરે છે અને એમને વેદ અર્પે છે, આત્મજ્ઞાન બક્ષે છે' એવું કહીને પ્રજાપતિ બ્રહ્મા કરતાં એમની શ્રેષ્ઠતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે.

એ સૂર્યોના પણ સૂર્ય, પ્રકાશમય છે.

સૂર્યમંડળને દ્રષ્ટિસમક્ષ રાખીને પરમાત્માની પ્રશસ્તિરૂપે અહીં કેટલાક અનોખા ઉદગારો કાઢવામાં આવ્યા છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો પરમાત્માની ધ્યાનાદિ ક્રિયા દ્વારા સમારાધના કરનારા સાધકને પોતાની અંદર સૂર્યસદૃશ પ્રખર પ્રકાશપુંજનું કેટલીકવાર દર્શન થાય છે. એ દર્શનથી સાધક વિસ્મય પામે છે અને કોઇકવાર ભયભીત કે વિહવળ પણ બને છે. એ સૂર્યસદૃશ પ્રબળ પ્રકાશ પરમાત્માનો પોતાનો છે. એવું સમજીને સાધક એની સાથે એકતા અનુભવે છે. પોતે એનાથી અલગ નથી, અંગરૂપ છે, એવું માને છે. સ્થૂળ રીતે વિચારતાં, સૂર્યસન્મુખ બેસીને સાધનાપરાયણ બનેલો સાધક સૂર્યનાં પ્રકાશકિરણોથી અંજાઇ જઇને ઉદગારો કાઢે છે કે પ્રભુ ! આ સૂર્ય તથા સૂર્યકિરણોનાં રૂપમાં અને એની અંદરબહાર તમે જ વ્યાપક છો. તમારું આ સ્વરૂપ મારાથી જોઇ કે સહી શકાતું નથી. અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં ભગવાનના વિશ્વરૂપદર્શનથી જેવો ભાવ અનુભવ્યો એવો જ આ ભાવાનુભવ છે.

ઋષિ જણાવે છે કે સૂર્યની અંદર જે આત્મતત્વ છે તે પરમ પુરુષ પરમાત્માનું જ પ્રતીક છે. પરમાત્મા પોતે જ સૂર્યમાં પ્રકાશી રહ્યા છે અને એ પરમાત્મા મારી અંદર વિરાજમાન છે. એટલે સૂર્યની, મારી અને પરમાત્માની અંદર મૂળભૂત એકતા છે. ઋષિ એ અલૌકિક અનુભવ કરે છે. અને એ હકીકત સૂર્યને જ લાગુ પડે છે એવું થોડું છે ? પરમાત્માનો જે પરમ પ્રકાશ સૂર્યમાં છે તે સમસ્ત બ્રહ્માંડમાં હોવાથી સાધકે સમસ્ત બ્રહ્માંડની સાથે અભિન્ન અંતરંગ એકતાને અનુભવીને જીવનને અભય, પ્રેમ, પવિત્રતા અને નિઃસ્વાર્થ સેવાભાવનાથી સંપન્ન બનાવવાનું છે. એવા જ જીવનને સાર્થક અને ઉજ્જવળ કહી શકાય.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer