An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 2 : Verse 05

 

इह चेदवेदीदथ सत्यमस्ति न चेदिहावेदीन्महती विनष्टिः ।

भूतेषु भूतेषु विचित्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥५॥

 

અર્થઃ

ચેત્ - જો

ઇહ - આ માનવ શરીરમાં

અવેદીત્ - પરમાત્માને જાણી લીધા

અથ - તો તો

સત્યમ્ - સારું

અસ્તિ - છે.

ચેત્ - જો

ઇહ - આ લોકમાં અથવા શરીર દરમિયાન

ન અવેદીત્ - પરમાત્માને ના જાણ્યા (તો)

મહતી - મહાન

વિનષ્ટિઃ - વિનાશ અથવા હાનિ છે.

ધીરાઃ - વિદ્વાન પુરુષો

ભૂતેષુ ભૂતેષુ - સર્વે પ્રાણીમાં

વિચિત્ય - પરમાત્મા છે એવું સમજીને

અસ્માત્ - આ

લોકાત્ - લોકમાંથી

પ્રેત્ય - પ્રયાણ કરીને

અમૃતાઃ - અમૃતમય

ભવન્તિ - બની જાય છે.

 

ભાવાર્થઃ

ભારતના પ્રાતઃસ્મરણીય  પરમાત્મદર્શી મહાપ્રતાપી મહાપુરુષોના કહ્યા પ્રમાણે માનવજીવન અશાંતિમાંથી શાંતિમાં, અપૂર્ણતામાંથી પૂર્ણતામાં, બંધનમાંથી મુક્તિમાં અને અસત્યમાંથી પરમસત્યમાં પહોંચવા અથવા પરમાત્માને ઓળખવા માટે મળેલું છે. એનું પ્રમુખ પ્રયોજન એ જ છે. માનવજીવન મહાદુર્લભ છે. એની જે ક્ષણો વીતી રહી છે તે ખૂબ જ કિંમતી છે. એ મહામૂલ્યવાન પવિત્ર પળો કોઇયે ઉપાયે પાછી આવવાની નથી એવું સમજીને એમનો જેટલો બને તેટલો સદુપયોગ કરવા, એમને સ્વ અને પરના કલ્યાણકાર્યમાં લગાડવા તત્પર બનવું જોઇએ. આ જીવનની સાચી કમાણી પરમાત્માને જાણી લઇએ એ જ છે. આ લોકમાં શરીરને છોડતાં પહેલાં એ કમાણી કરી લઇએ તો સારું. જે કમાવાનું હતું તે કામનું કમાયા એવું સમજી લેવું. અને જો પરમાત્મા પરમ ધનની અ કલ્યાણકારક કીમતી કમાણી ના કરી શક્યા, એ કમાણી કરવાની કલ્પના, યોજના કે કોશિશ પણ ના કરી, તો મોટામાં મોટું નુકસાન થયું - હાથે કરીને નુકસાન વહોરી લીધું, એવું સમજી લેવું. કબીર સાહેબે એવા માનવો માટે ગાયું છે કેઃ

બીત ગયે દિન ભજન વિના રે

બાલ અવસ્થા ખેલ ગવાઇ

જબ જોબન તબ માન ઘના રે ... બીત ગયે.

લાહે કારન મૂલ ગવાયો,

અજહું ન ગઇ મનકી તૃષ્ણા રે .... બીત ગયે

કહત કબીર સુનો ભાઇ સાધો,

પાર ઉતર ગયે સંતજના રે ... બીત ગયે.

એવો વસવસો આપણને ના રહી જાય એનું ખાસ અને અત્યારથી જ ધ્યાન રાખવાનું છે. વિદ્વાનોને કે સંતપુરુષોને એનો વસવસો નથી થતો. એ તો જીવનની પ્રત્યેક પળને પરમાત્મપરાયણ બનાવીને પ્રાણીમાત્રમાં પરમાત્માને પેખીને, સૌની સમુન્નતિ તથા સુખશાંતિ માટે શ્ર્વાસ લે છે, જીવન-મુક્તિ અનુભવે છે, અને શરીર છૂટે છે ત્યારે આ લોકમાંથી પરમાત્માના પરમધામ પ્રતિ પ્રયાણ કરે છે, અથવા વાસના કે કામનાથી રહિત બનીને પરમાત્માની પરમ ચેતનામાં મળી જાય છે, અમૃતમય અથવા ધન્ય થાય છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer