કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રવાસીને

   
< BACK

અક્ષત

NEXT >
 

જ્યાં લગી મંઝિલ ના મળે ત્યાં લગી પ્રમાદ કેવો, પ્યારા પ્રવાસી !

પરમ પ્રકાશના પથ પર પ્રયાણ કરવામાં પ્રમાદ કેવો ?

રવિનાં રશ્મિ પૃથ્વી પર પ્રકાશ પાથરે છે.

અવનીના અણુએ અણુમાં અભિનવ જીવનના અગ્રદૂત જેવાં પ્રસરી રહે છે:

પોતાના પુણ્યમય પ્રવાસમાં એમને ક્યાં આળસ છે ? ક્યાં થાક છે ?

વિશ્રામનો વખત પણ ક્યાં છે ?

મંઝિલ ના મળે ત્યાં લગી, તને પણ પ્રમાદ ક્યાંથી હોઈ શકે ?

 

જંગલના ઝરણાં મધુમય મૌનમાં કે સુધાસભર શાંત સ્વરમાં વહી રહ્યાં છે.

રણમાં પણ રસ રેલાવતાં, મરુભૂમિને મધુતાથી મઢતાં

આગળ ને આગળ વધ્યે જાય છે, પોતાનો કલરવ નથી છોડતાં

અવરોધો આવે છે તો પણ આનંદપૂર્વક આગળ વધે છે, દોડે છે,

અને એવી રીતે આખરે-સરિતા કે સાગરની સોડમાં સમાઈને શાંતિ પામે છે.

મંઝિલ ના મળે ત્યાં લગી, તને પણ પ્રમાદ ક્યાંથી હોઈ શકે ?

 

અવરોધ આવે, આફત આવે, વિરોધના વંટોળ ચઢે,

પીડાના પાવક પ્રજળે કે પૂર્ણતાના પથમાં પ્રતિકૂળતાના પર્વત પડે,

તો પણ અમે હિંમત રાખીશું. કાયરતાને ખંખેરી કાઢીશું,

આગળ વધીશું, છેવટે વિજય પામીશું :

એવા આત્મબળથી આગળ વધ, પ્યારા પ્રવાસી ! ગગનને ગજવી દે.

પરાજય તો ડરપોક તથા કાયરને માટે છે:

જે હિંમતવાન છે તેને નિષ્ફળ થવાનું નથી રહેતું.

તેના લલાટમાં તો પ્રત્યેક પગલે વિજયના લેખ જ લખાયેલા હોય છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer