કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કેમ ચાલશે ?

   
< BACK

અક્ષત

NEXT >
 

દુઃખના દાવાનલથી ડરી જઈશ તો કેમ ચાલશે ?

પ્રગતિના પ્રકાશમય પરમપાવન પથમાં દુઃખના દાવાનલ તો આવવાના જ.

મનોબળવાળાને એ કશું જ નહિ કરવાના,

પરંતુ કાયરને તો જોતાં જ જલાવી દેવાના.

 

પ્રતિકૂળતાના પ્રખર પવનથી કે વિરોધના વાવાઝોડાથી

ડગીને ડરી જઈશ તો કેમ ચાલશે ?

કર્તવ્યના કઠોર કુરુક્ષેત્રમાં પ્રતિકૂળતા ને વિરોધના વાવંટોળ તો આવવાના જ.

મજબૂત મનોબળવાળા સત્યપરાયણ પુરુષને એ કશું જ નહિ કરવાના,

પરંતુ ડરપોકને તો દર્શનથી જ ડરાવી દેવાના.

 

અનીતિ, અન્યાય, અનૃત અને અત્યાચારથી

હિંમત હારી જઈશ તો કેમ ચાલશે ?

જીવનના જટિલ જંગમાં, વિવિધ વ્યવહારોની વચ્ચે,

એ સૌનો સામનો તો કરવો જ પડવાનો,

સત્ય સંકલ્પવાળા, અનર્થની સામે શિર નહિ ઝુકાવનારા,

સમ્યક્ સામનો કરનારા કર્મવીરને એ કશું જ નહિ કરવાના,

પરંતુ નાસીપાસ થનારને ક્ષણવારમાં જ લાચાર કરવાના.

 

પંથમાં પડેલા કંટકથી, અછતથી, અવહેલનાથી,

અસફળતાની આવૃત્તિથી ભાગ્યને દોષ દઈને

મૃતઃપ્રાય બનીને બેસી રહીશ તો કેમ ચાલશે ?

પૂર્ણતાનો પુણ્યપ્રવાસ સંકટના કંટકથી ભરેલો છે.

એમાં અછત, અવહેલના, અસફળતાની આવૃત્તિ પર આવૃત્તિ આવ્યા કરે છે.

મહારથીઓ એમાંથી જ માર્ગ કરે છે, સ્મિત કરે છે, આગળ વધે છે.

ફક્ત દુર્બળ દિલના માનવો જ એનો અફસોસ કરે છે.

આંસુ સારે છે, અને અકાળે વિના-મૃત્યુ મૃત્યુ પામે છે.

અવહેલના, અછત, અસફળતા, આપત્તિથી

આશાને છોડી દઈને અકાળે અવસાન પામશે તો કેમ ચાલશે ?

 

ગરલને સરળ, સુધામય કર; દુઃખને સુખ ગણ;

પ્રતિકૂળતાની પણ અનુકૂળતા કર;

પ્રગતિ, પ્રકાશ, પૂર્ણતાના પથ પર આગળ ને આગળ પગલાં ભર !

જીવનને હાથે કરીને વધારે જડ, ઝેરી, જટિલ કરીશ તો કેમ ચાલશે ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer