કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

એકત્વની આકાંક્ષા

   
< BACK

અક્ષત

NEXT >
 

એક દેશ, એક વેશ ને નરેશ,

એક જ ધર્મ, સંસ્કૃતિ, વાણી, એક જ જાતનો ઉજેશ,

એને માટે મારી પ્રાર્થના ન હતી, આજે પણ નથી;

મારી પ્રાર્થના તો અનેકતામાં એકત્વની પ્રતિષ્ઠાની છે.

 

વિશ્વમાં જે વિવિધતા છે તેનો નાશ થાય તેવી આકાંક્ષા હું નથી રાખતો :

એ વિવિધતા મને ગમે છે, એથી આ સર્જન વધારે સુંદર લાગે છે.

એ વિવિધતા ભલે રહી.

કિન્તુ એને લીધે જે ઘર્ષણ થાય છે,

ભેદભાવની ખાઈ ખોદાય છે, સ્પર્ધાની શરૂઆત થાય છે,

અહંતા-મમતા તથા તિરસ્કારવૃત્તિનું તાંડવનૃત્ય ખેલાય છે,

એનો અંત આવે એવો આશીર્વાદ અવશ્ય આપો.

બાકી એ વૈવિધ્યનો પોતાનો જ અંત આણવાની ઈચ્છા મેં કદી નથી રાખી;

આજે પણ નથી રાખતો.

 

એક ભાષા, એક રીતરિવાજ, એક દેશ,

એક જ જાતનો કાર્યક્રમ, એકસરખો પહેરવેશ,

એને માટે મારી પ્રાર્થના ન હતી, આજે પણ નથી;

મારી પ્રાર્થના તો અનેકતામાં એકત્વની પ્રતિષ્ઠાની છે.

પ્રજાઓ ભલે પૃથક્ રહેતી અને રાષ્ટ્રો તથા સરકારોયે અલગ :

પોતપોતાની આગવી રીતે એ ભલે આગળ વધે અને જીવનનો આસ્વાદ લે :

એમના અસ્તિત્વને મિટાવી દેવાની મારી મરજી નથી :

હું તો એવી આકાંક્ષા રાખું છું કે,

એમનાં મન, એમના અંતર, એમના આત્મા

એકતાના અલૌકિક આલાપથી અલંકૃત બને, અવનીને એક અને અલંકૃત કરે !

 

જુદી જુદી સરિતાઓ સાગરમાં મળે છે,

સૂર્યનાં કિરણો સાયંકાળે જેમ સૂર્યમંડળમાં પાછાં ફરે છે

એમ એમની વૃત્તિ અને પ્રવૃત્તિ

મહીમંડળના મંગલના મહોદધિ તરફ જ પ્રગતિ કરે અને પાછી વળે !

 

એક દેશ, એક વેશ ને નરેશ,

એક જ ધર્મ, સંસ્કૃતિ, વાણી, એક જ જાતનો ઉજેશ,

એને માટે મારી પ્રાર્થના ન હતી, આજે પણ નથી;

મારી પ્રાર્થના તો અનેકતામાં એકત્વની પ્રતિષ્ઠાની છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer