કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સત્યની પરિપાટી

   
< BACK

અક્ષત

NEXT >
 

માનવમનની સ્વતંત્રતાના સત્યના પરમ આગ્રહી સત્પુરુષે,

પોતાના શિષ્યોને સંદેશ આપતાં કહેવા માંડ્યું :

અમુક વાત વેદોએ કહી છે કે પ્રાચીન શાસ્ત્રોએ ઉપદેશી છે,

એટલા માટે જ એને સાચી ના માની લેતા :

પરંપરાથી ચાલી આવે છે માટે જ સ્વીકારી ના લેતા :

આપ્તજનો કે પૂજ્ય પુરુષોએ પ્રમાણભૂત કહી બતાવી છે,

એટલા જ કારણસર ગ્રહણ ના કરતા :

એ વાત મારા મુખમાંથી નીકળી છે માટે પણ સત્ય છે એવું ના સમજતા :

પ્રત્યેક વખતે તમારી સ્વતંત્ર વિચારશક્તિનો ઉપયોગ કરજો,

અને એના આધાર પર જે યથાર્થ લાગે એને જ અપનાવજો,

હે સત્યશોધકો, એને જ અપનાવજો.

 

એ સંદેશને સંપૂર્ણ કરવા માટે પાછળથી આટલું ઉમેરવામાં આવ્યું :

અમુક વાત વેદોએ કહી છે, કે પ્રાચીન શાસ્ત્રોએ ઉપદેશી છે

એટલા માટે જ ખોટી પણ ના માની બેસતા :

પરંપરાથી ચાલી આવે છે માટે જ અપનાવવાનો ઈન્કાર ના કરતા.

આપ્તજનો કે પૂજ્ય પુરુષોએ પ્રમાણભૂત કહી બતાવી છે

એટલા જ કારણસર એની અવગણના ના કરી બેસતા :

મારા મુખમાંથી નીકળી છે માટે જ મિથ્યા છે એવું ના સમજતા :

પ્રત્યેક વખતે તમારી સ્વતંત્ર વિચારશક્તિનો ઉપયોગ કરજો,

એના આધાર પર જે યથાર્થ લાગે એને અપનાવજો :

 

પરંતુ એને જ અપનાવવાનો આગ્રહ એટલા માટે ના રાખશો કે

તમારી વિચારશક્તિ સીમિત છે.

એને વધારે ને વધારે વિશાળ બનાવીને

તમારાથી વિશેષ વિચારવાન અને અધિક અનુભવીના વચનમાં વિશ્વાસ રાખી,

અનુભૂતિના પ્રદેશમાં પણ પ્રવેશ કરજો :

સત્યની શોધને માટે એ પરિપાટીને પણ અનુસરજો,

હે સત્યશોધકો, એ પરંપરાને પણ અનુસરજો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer