અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ભૂલું નહિ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

જગતની અનેકવિધ, પાર વિનાની પ્રવત્તિઓમાં પણ હે પ્રભુ, તારા સુમધુર સ્મરણને ભૂલું નહિ.

 

આતુર ને આર્ત આંખમાં અશ્રુધારાની માળા કરીને ન જાણે કેટકેટલાં ઊભાં રહ્યાં છે ! ને મૂક, મ્લાન કે કરુણ કાળજામાં કલેશ લઈને બીજાં હજારો જીવી રહ્યા છે ! એ સૌના સંકટમાં ભાગ લેતાં પણ, તારા સુમધુર સ્મરણને ભૂલું નહિ, હે મારા પ્રભુ, તારા મધુર મુખને ભૂલું નહિ!

 

કો'ક પડી ગયાં છે, તે હાથ આપતાવેંત બેઠાં થાય છે, ને લથડી રહેલાં ટેકો લઈ લઈને આગળ જાય છે. વિશ્વની આ વિશાળ વનવાટે કો'ક ભોમિયા વિના ભમ્યા કરે છે ને મારગ ના મળવાથી મૂંઝાય છે પણ ખરા. એ સૌની સાથે રહીને, એમને આંગળી ચીંધતાં ચીંઘતાં પણ, તારા સુમધુર સ્મરણને ભૂલું નહિ, તારા મહિમાવંતા મંગલ મુખને ભૂલું નહિ !

 

કો'ક કરમાયેલા કુસુમની કિનારીને સ્પર્શ કરતાવેંત તેની પાંખડી પ્રેમથી પરિપ્લાવિત થઈને ખીલી ઊઠે છે, ને કોઈના તરફ સ્મિત કરતાવેંત તેને નવું જીવન મળે છે. અરે, આંસુ પણ કોઈકનું જીવનધન, ને દર્દ પણ કોઈના દિલને દિલાસો આપનારું મહાદાન બને છે. એ બધી મહેફિલમાં ભાગ લેતાં લેતાં પણ તારા મુખને ભૂલું નહિ !

 

જગતની અનેકવિધ, પાર વિનાની પ્રવત્તિઓમાં પણ હે પ્રભુ, તારા સુમધુર સ્મરણને ભૂલું નહિ !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer