અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રભુનાં બે રૂપ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

એક મંદિરની અંદર છે. એનું અંગ અવનવા અલંકારે અલંકૃત ને સુંદર શણગારે સુશોભિત છે. બીજું મંદિરની બહાર છે. શરીરની માવજત માટે જોઈતાં જરુરી કપડાંનો પણ એને કાળ છે. એના અંગ પરનાં વસ્ત્રોના ફાટયાતૂટયા હાલ છે.

 

એક મંદિરની અંદર છે. એની આગળ ન જાણે સોના ને ચાંદીના કેટલાય થાળ છે. બીજું મંદિરની બહાર છે. એક ફૂટી બદામ માટે એને પ્યાર છતાં વાર છે.

 

એક મંદિરની અંદર છે. એની આગળ ક્રમેક્રમે ભોગ ને રાજભોગ ની કેટલીય સામગ્રી હાજર થાય છે. પૂજારી ને પ્રેમી એની આગળ પુષ્પો વેરે છે ને પ્રસંશાના ગીત ગાય છે. અરે, એ તો નીતરતા નેહમાં નહાય છે. બીજું મંદિરની બહાર છે. એની આગળ નથી ધૂપ કે નથી દીપ. ભુખ ને દુઃખથી ઊંડી ઊતરેલી આંખે ને તૂટેલી પાંખે એ સૌને પ્રાર્થે છે, મૂક રીતે બેસી રહીને પ્રાર્થે છે. પૂજારી ને પ્રેમી જનોનાં અપમાન ને અવહેલનાનો એ અનેક વાર શિકાર થાય છે.

 

એકની આગળ વહાલની મધુરી વીણા વાગે છે, ને નૃત્યાંગના નાચે છે. બીજાની આગળ ઉપાલંભ ને ગાળોનો વરસાદ ગાજે છે, કરુણતા કે કંગાલિયત નાચે છે.

 

એક મનને મોહક લાગે છે, પણ પ્રત્યેકને પ્રકટ નથી. બીજું મનના મર્મસ્થાનને સ્પર્શીને અંતરમાં ઊંડે ઊતરી જાય છે ને સદાને સારુ સાક્ષાત છે.

 

તારાં આ બે રૂપોમાંથી હે દેવ ! તારા પેલા મંદિરની બહારના દીનહીન રૂપને મળવા ને પૂજવા જ મારું મન લલચાય છે. પહેલેથી જ જ્યાં દીનતા છે, દુઃખ છે ને દરિદ્રતા છે, ત્યાં મારો વાસ છે. દીન, દુઃખી ને દરિદ્રને જ મારો સાથ છે. તેમની સાથે હું હંમેશાં ઊભો રહીશ !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer