અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમનો મહિમા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

જો તું કહે, 'હું અનુભવ કરી ચૂકયો', તો તું અનુભવને સમજતો નથી; ને જો કહે, 'હું જાણી ચૂકયો', તો તું જાણતો નથી; જ્ઞાનનો મહિમા એવો ગહન છે.

 

જો તું કહે, 'હું પ્રેમના પ્યાલાને અધરે લગાવીને હમેશાં મસ્ત છું', તો સમજ કે તું મસ્ત નથી; ને જો કહે કે, 'પ્રેમના પુનિત પ્રભાવથી  કૃતકૃત્ય છું', તો માન કે તું પૂરો કૃતકૃત્ય નથી.

 

ભલા, પ્રેમના મહિમાને 'હું' શું જાણું ? ન જાણે કેટકેટલાં 'હું' એ ગહન દરિયાનું માપ લેવા ગયાં ને એમાં જ ગળી ગયાં ! મારા શુદ્ધ, સાત્વિક ને એથી જ નજીવા 'હું' નો ત્યાં શો હિસાબ?. આ તો એક એવી જ્યોત્સના છે, જે પોતાના ચંદ્ર સાથે એકાકાર થઈ ગઈ છે; એવી ઉષા છે, જે પ્રતીચિના હૃદયની સંપૂર્ણ સુરતા સાથે  સુશોભિત થઈ છે; એવી બંસરી છે, જે જડ ને ચેતનનો ભાવ ભૂલીને અધરના આસ્વાદમાં જ એક થઈ છે ! કહે ભલા, એ ગુણગાન શેં ગાય, ને મહિમાની અભિવ્યક્તિયે એનાથી શેં થાય ?

 

ને એ જ ઠીક છે, કેમ કે જેમણે જાણ્યું છે તેમના હોઠ બંધ થઈ ગયા છે; ને પ્રેમનું પરમપીયુષ જેમણે પીધું છે, તે સદાને સારુ સૂધબૂધ ભૂલી ગયા છે, તે જ તેનો મહિમા બની ગયા છે.

 

મારી પાસે આવીને પણ જો તારે પ્રેમનો મહિમા પૂછવાનો હોય, તો એમ સમજ કે મારામાં પ્રેમની મણા છે, અથવા તો હે પ્યારા જિજ્ઞાસુ ! તારામાં એની સ્પૃહા જરા ઓછી છે!

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer