અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અમર પાન

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તારું સ્વર્ગીય સુખદ સંગીત સાંભળવા ઈચ્છનારે તો આવવું જોઈએ મારા ઊંડા ઊંડા અનેરા અંતરમાં; ત્યાં તારી સુંદર સિતારના સુમધુર સ્વર છૂટી રહ્યા છે. ને તારું દર્શન-દેવદુર્લભ દર્શન-કરવા ચાહનારે ઊતરવું જોઈએ મારા અસ્ખલિત આંસુપ્રવાહમાં;  તેમાં તું તારા વદનકમળને રાતદિન ધોઈ રહ્યો છે.

 

આ જ તારું વિશ્રામસ્થળ છે ને આ જ તારું સિંહાસન - મારું અંતરઆસન. એના જેવી શાંતિ તને વૈકુંઠના અલૌકિક આસન પર અથવા ક્ષીરસાગરની શેષશય્યા પર પણ નથી મળતી. એ શાંતિનું મૂળ સંગ્રહસ્થાન - મારું અંતર - એ જ તારું આસન છે.

 

હું તને કયાંય જવા કે આવવા કહેતો નથી; કેમ કે હું તારા પ્રેમની સાથે એકાકાર છું. પણ તારી દશા એક અલિના જેવી છે. મારા હ્દયકમળમાં સમાયેલી સ્નેહસુધાનો સ્વાદ તને ત્રિભુવનમાં ને ત્રિકાળમાં કયાંયે મળ્યો નથી. ને તેથી જ તું ત્યાંથી ખસી શકતો નથી.

 

કેવી છે આ પ્રેમની લીલા ! મારી પાસે મારું એવું કશું જ નથી રહ્યું. પહેલાં હું પ્રેમનો હતો; પછી પ્રેમ મારો થયો. હવે ફક્ત પ્રેમ જ છે. ને તે પ્રેમપ્યાલીને  બંને હોઠે દબાવીને, છાતી સાથે લગાવીને, હરેક ક્ષણે તું મસ્તીમાં મળી રહ્યો છે !

 

આ અમર પાન વિના સૃષ્ટિના સ્વામિત્વને તું શી રીતે સંભાળી શકત ? ને તેના વિના તું પ્રભુ પણ રહી શકત ? પરમેશ્વર થઈ શકત ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer