|
અષાઢની
રળિયામણી રાત હતી. વરસાદ હજી હમણાં જ શાંત થયો હતો. તારલિયાની દીપમાળા કો'કનું
પથપ્રદર્શન કરવા પ્રકટ થઈ, ને દૂરદૂર પર્વતોની પંક્તિ પાછળથી, ઘૂંઘટને દૂર
કરનારી, શરમાળ, સ્વરૂપવતીની જેમ, ચંદ્રકલા પણ વાદળનો પડદો ભેદીને દ્રષ્ટિગોચર
થઈ.
વનમાં સર્વત્ર
શાંતિ હતી. તપસ્વિની જેવી નાનીશી નદી પોતાના ધીર-ગંભીર ગીતને ગાતી વહી જતી'તી
એટલું જ. પર્વતીય પ્રદેશમાં, જ્યાં જુઓ ત્યાં, આગિયાની હાર ફરતી હતી - જાણે કોઈ
વનદેવીને માર્ગ બતાવતી કે એની સાથે ક્રીડા કરતી ન હોય ! પણ એ બધી લીલા તો બહાર
હતી;
આશ્રમની અંદર તો હતી નરી નીરવતા. રાત આખી રમવા ઊતરી હોય એવી આશ્રમની એકાકી ઓરડી
અંધારી હતી.
દૂરથી કો'ક
કોકિલે કૂજન કર્યું ને મારુ હૈયું હાલી ઊઠ્યું. એ એકાંત અંધારી રાત ! પ્રેમીઓને
માટે એ કેવી આશીર્વાદરૂપ હતી ! કોણ જાણે કયારે, પણ મારી આંખ એ વિચારમાં મળી ગઈ.
ત્યાં તો
હૈયાને હલાવી નાખતી ગર્જના થઈ ને વીજળી જાણે અપ્સરા બનીને અભિસારે નીકળી.
આશ્રમના બારણા પાસે ઊભા રહીને મેં બહારની શોભા જોવા માંડી. ત્યાં તો તે મારી
છેક સમીપે આવીને ઊભી રહી. એની આંખે અમીની ધારા હતી ને એના શરીર પર સફેદ સુંદર
સાડી;
એક હાથમાં તાજી તૈયાર કરેલી માળા. શું તે કોઈ વનદેવી હતી
?
મોહક મીઠું
સ્મિત કરતાં તે બોલી, 'હું
અભિસારે નીકળી છું;
પ્રેમની દેવી છું.'
મને એ ના
સમજાયું. તેણે ફરી કહ્યું, 'રોજની
જેમ આજે પણ બહાર નીકળી છું ને તારી પાસે આવી પહોંચી છું.'
'મારી
પાસે ?'
મારી આંખ એની રૂપસુધાના પાનથી સાચે જ, માદક થવા માંડી.
'હા.'
તેણે કહ્યું, '
જે મારે માટે સર્વસ્વને છોડી દે છે ને મને જ યાદ કરે છે, અરે, જે મારે માટે જ
શ્વાસ લે છે, તેને દ્વારે મારે જવું પડે છે. કેટલાય વખતથી હું અટૂલી ને અનાથ
હતી !'
ને મારી પથારી
પર આવીને તે મારી પાસે બેસી ગઈ. પોતાની કમલકોમળ કરાંગુલિને મારા કરમાં ફેરવતાં
તે બોલી, 'મારી
જ પ્રીતિ ને તલ્લીનતાની આ પ્રસાદી છે. પ્રેમની જે કૃતજ્ઞતા મારી રગેરગમાં રમી
રહી છે, એની અભિવ્યક્તિ તો કોટી ઉપાયે નથી કરી શકું એમ;
પણ આ એની નાનીશી પ્રતિચ્છબી છે.'
માળાથી મારા
શરીરને એણે જોતજોતામાં શણગારી દીધું ને ચરણની રજને મસ્તકે મૂકતાં બોલી,
'દેવ,
જન્મોજન્મની આ તમારી દાસી છે. આ તનમન બધુંયે તમારું છે. આજથી હું તમારી દાસી
છું !'
ને મને આશ્લેષ
આપતાં કહેવા માંડી, 'આજથી
હું તમારી બની ગઈ;
તમારા અંતરમાં ઊતરી ગઈ !'
'પણ
તારું નામ શું, તે તો કહે !'
મારા મુખમાંથી એકાએક વાણી નીકળી પડી.
કપોલપ્રદેશ
પરની ઊડતી કેશલટને કોમળ કરાંગુલિથી ઠીક કરતાં, સિતારીના સુમધુર સ્વરની પેઠે તે
બોલી, 'મારા
મહાકવિ, શું તને હજી પણ ખબર નથી ?
- હું તારા જ 'હું'
ની 'તું'
બની ગઈ !'
ખરેખર, અષાઢની
એ રાત મારા જીવનમાં જડાઈ ગઈ, અવિસ્મરણીય બની ગઈ. |