અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમની જીત

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

તે દિવસે, જ્યારે હું મારા મહેલની બારી પાસે બેસીને તને આકર્ષવાના પ્રયાસ કરતો હતો ત્યારે, તારી એક દ્રષ્ટિ પણ મારા પર ના પડતી.

 

તારા આગમન ને પ્રત્યાગમનના પથ પર હું મારા સુવર્ણાક્ષરી પરિમલ ભરેલા  પ્રેમપત્રો નાખતો; પરંતુ તું તેને ઠોકર મારીને ચાલી જતી.

 

ફૂલની રંગબેરંગી માળામાં મારા રોમેરોમ ને રસાળ હૃદયને ગૂંથીને હું તારા રાજપ્રસાદના પુનિત પથ પર પાથરતો; કદી કદી કૃપણ બની એ રીતે તારી કૃપાની કામના કરતો; પરંતુ તારી પગલી પણ તે પર ના પડતી.

 

સંગીતના સુમધુર સ્વરોમાં મારાં સ્વપ્નની કવિતા કરીને તને સંભળાવવાના હું પ્રયાસ કરતો; પણ મારી કવિતાના પડઘા પણ તારે પ્રાણે ના પડતા.

 

તું રતિથીયે રુપાળી છતાં ગર્વની પ્રતિમા જણાતી. મારી સાંજ ને સવાર તારી પ્રતીક્ષામાં પસાર થતી; પરંતુ તને તેની દરકાર ન હતી.

 

ને તે દિવસે, જ્યારે મેં મારા મહેલની બારી પાસે બેસવાનું મૂકી દઈને પ્રાણનું પાત્ર લઈને પ્રેમની ભિક્ષા માગવી શરૂ કરી ત્યારે, કોણ જાણે તું ક્યાંથી આંસુની માળા સાથે ધીમે પગલે આવીને મારા ચરણમાં પડી; મને તેની સમજ ના પડી. પરંતુ હા, મારા શહેનશાહી શણગારો તે વખતે છૂટી ગયા હતા ને મારે અંગે વૈરાગ્યની ભસ્મ હતી !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer