અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રેમની તૃપ્તિ

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

આજે પણ એવી જ સવાર હતી. મંદિરના દ્વાર ઊઘડ્યાં, પૂજા પૂરી થઈ, ને પ્રેમીજનો પર પ્રભુએ  વિશેષ કૃપા કરી. મેં મારું ગીત ગાયું, ને બધાંને જાણે કે પ્રભુની પ્રત્યક્ષતા થઈ. પ્રેમીજનોએ પ્રભુની પ્રભુતાને આવરી લીધી. કોઈએ કંઠે માળા ધરી; કોઈએ કમર પર કર વીંટીને લીલા કરી; તો કોઈએ 'મારા પ્રભુ, મારા પ્રીતમ' કહીને પોતાની માલિકીને બોલી બતાવી.

 

પ્રિયતમની મીઠી મોહક આંખ આખરે મારા તરફ ફરી - જાણે પીયુષની પ્યાલી ! એમાંથી મારા પર વહાલની અનેરી વર્ષા વરસી રહી : ને શ્રીમુખમાંથી સરસ્વતી સરી રહી: 'ઓ પાગલ, અરે પ્યારા ગાયક ! તારામાં પ્રીતિ નથી ? તને મારા માનીતા ને માલિક બનવાની વૃત્તિ નથી ?'

 

'નહિ મારા દેવ !' મેં ઉત્તર આપ્યો, 'તમારી મનમોહક આંખ મારી આંખની સાથે આમ જ એક થવા દો; તમારી પ્રેમસુધામાં મને આમ જ સ્નાન કરવા દો; તમારા સ્નેહસાગરનો એક કણ જ મારે પર્યાપ્ત છે. મારા દેવ, મને શાંતિથી ને મૂક મને આ મહા કાર્ય કરવા દો !'

 

પ્રભુએ પોતાની પાની તરફ દ્રષ્ટિ કરી, ને તેને ચૂમી લઈને કાયમને માટે કૃતકૃત્ય થઈ મેં મંદિરની બહાર એ જ સંગીતમય પ્રાર્થના સાથે પગલી ભરી.

 

એ વખતે મારા ગીતની અંતિમ પંક્તિ આ હતી: 'હે પ્રભુ, હે પ્રેમ ! તારી માલિકી મેં ચાહી નથી, તેમ તારા ગુલામ બનવાનું પણ મને પસંદ નથી. મારા ગીતે તારી પ્રતિમાને પ્રકટ કરી, ને મારા પ્રેમે તને પાગલ કરી લ્હે લગાડી; એજ કૃતાર્થતા મારે માટે પૂરતી છે !'

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer