પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રવાસીને

     
   
< BACK

પરિમલ

NEXT >
 

પ્રવાસીનો મોટા ભાગનો પંથ કપાઈ ગયો છે,  ને હવે સ્વલ્પ સમય જ શેષ રહ્યો છે. પ્યારા પ્રવાસી, હવે સ્વલ્પ સમય જ શેષ રહ્યો છે.

આ સુંદર સંસારની સફર શરૂ કરી ત્યારે સંસારમાં જે સુંદરતા, સરસતા ને સુમધુરતા હતી તે હજી કાયમ છે. એની એ ધરતી ને એનું એ આકાશ; એ જ ગ્રહ ને એ નક્ષત્રો. એના એ ઋતુનાં પરિવર્તન, એ સાંજ સવાર, અને એ સરિતા તથા સાગર; ન જાણે કેટકેટલા કાળથી એમનો પ્રવાસ ચાલી રહ્યો છે. પરંતુ તારો પ્રવાસ તો હવે સ્વલ્પ જ શેષ રહ્યો છે.

પ્રવાસનો મોટા ભાગનો પંથ કપાઈ ગયો છે, ને હવે સ્વલ્પ સમય શેષ રહ્યો છે, પ્યારા પ્રવાસી, હવે સ્વલ્પ સમય જ શેષ રહ્યો છે.

*

સ્વજન, સ્નેહી, સુહૃદ ને સંબંધીમાંના કેટલાંક પોતપોતાના પ્રવાસ પરિપૂર્ણ થયે વિદાય થયાં છે, ને બીજાં કેટલાંક નવાં એમાં ભરતી થઈને ગોઠવાઈ ગયાં છે. આ અનાદિ ઉપવનની દરેક દિશાએ પાર વિનાનાં પુષ્પો તથા વૃક્ષો પોતાનું પ્રાણધન રેલી ગયાં છે, ને બીજાં અનેકાનેક રેલી રહ્યાં છે. જેનો પાઠ પૂરો થાય છે તે પોતાના વાદ્ય ને સંગીતના સૂર સાથે વિદાય થાય છે, અને એના સ્થાને બીજા નવા ઉસ્તાદ આવી જાય છે. પ્રવાહનું પાણી જેમ ખૂટતું નથી, તેમ સર્જન, વિસર્જન અને અભિસરણની આ પ્રકિયા પુરાતન કાળથી ચાલ્યા જ કરે છે.

*

પ્રવાસની આ પૂર્ણાહુતિ પ્રસંગે મારે તને એક જ વાત પૂછવાની છે, પ્યારા પ્રવાસી, કે જેને માટે આ પ્રવાસનો પ્રારંભ કરેલો, ને જેની સિદ્ધિ થતાં સફરની સફળ પૂર્ણાહુતિ થઈ જાય, એ અમુલખ વસ્તુ તેં મેળવી કે નહિ ? તારા લક્ષ્યસ્થાનનું સ્મરણ તને રહ્યું ? તથા તેને પહોંચવા તારાથી થાય તેટલું કર્મ તેં કર્યું ? નહિ તો તારી સફરનો સમય નિરર્થક રીતે, વ્યર્થ જ ગયો માની લેજે, પ્રવાસી !

*

પ્રવાસનો મોટા ભાગનો પંથ કપાઈ ગયો છે, ને હવે સ્વલ્પ જ સમય રહ્યો છે, પ્યારા પ્રવાસી, હવે સ્વલ્પ સમય શેષ રહ્યો છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer