|
અનેક રૂપ ને રંગથી સંપન્ન, માધુર્યથી મંડિત, આ સંસારનું નિરીક્ષણ કરીને
વિદ્વાનો પણ વિમાસણમાં પડે છે. એને કોની સાથે સરખાવવો એની સમજ સાક્ષરોને પણ
નથી પડતી. પંડિતો પણ પોતાની પ્રખર પ્રજ્ઞાથી એનો પાર નથી પામી શકતા.
એવા જ એક પ્રખર છતાં પરિમિત પ્રજ્ઞાવાળા પંડિત પુરુષે મારી મુલાકાત માગીને, મને
સંસારના સ્વરૂપ સંબંધી સવાલ પૂછ્યો;
તો મેં તેમને નમ્રતાપૂર્વક પ્રત્યુત્તર આપ્યો : પંડિત પ્રવર, હું કોઈ પંડિત કે
સાક્ષર નથી, પંરતુ કવિ છું. ને કવિતાની શૈલીમાં જ એનો ઉત્તર આપું છું. પંડિતના
પાંડિત્યને બદલે કવિની કોમળ કલ્પના લઈને, કવિના રસમય હૃદયથી સંસારને સમજો, તો
તેનું સ્વરૂપ કંઈક અંશે પણ સમજી શકાશે.
સંસાર એક સંગીતના સુંદર સમારોહ સરખો છે. એમાં વિવિધ વાજિંત્રો ને અનેક પ્રકારના
તાલ તેમજ સ્વરનાં વાદ્યો છે. સઘળાં પોતપોતાના પ્રાકૃતિક, સ્વાભાવિક સંગીતસ્વર
છોડ્યા કરે છે.
અથવા તો એમ પણ કહી શકો કે સંસાર બહુરૂપી ને વિવિધરંગી ફૂલના વિશાળ વન જેવો છે.
જુદી જુદી ડાળી પર પ્રકટેલાં પુષ્પો એક જ માળીની માવજતથી મોટાં થયાં છે,
મહેંકવાળાં બન્યાં છે, ને બહારથી ભિન્ન ભાસવા છતાં, એક જ કામ કરી રહ્યાં છે.
કોઈક વાર એમ થાય છે કે આ એક મહામેળો છે. અનંતકાળથી આરંભાયેલો આ મહામેળો હજુ
પૂરો નથી થયો, અને અનિશ્ચિત કાળ લગી ચાલુ રહેવા સર્જાયો હોય એમ લાગ્યા કરે છે.
વ્યોમની પેઠે આ વિશાળ સંસારમાં અનેકાઅનેક નક્ષત્રો ને ગ્રહો, વીજળી ને વાદળ,
તથા સૂર્ય ને ચંદ્રનો સંસાર થઈ રહ્યો છે.
અથવા તો સંસાર જુદી જુદી, નાની મોટી, સરિતાઓના સમુચ્યસમો છે. પોતપોતાના
સ્વતંત્ર સંગીતમાં મસ્તી માણતી સઘળી સરિતા સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરો તો,
સાગરમાં સમાવા સારુ જ સરી રહી છે. કલેવર જુદાં;
પણ અંતર એમનાં એક જ આલાપમાં ઓતપ્રોત બનીને આગેકૂચ કરી રહ્યાં છે.
બાકી તો આની સંપૂર્ણ સરખામણી શાની સાથે ને કેવી રીતે કરી શકાય
?
અનેક રૂપ ને રંગથી સંપન્ન, માધુર્યથી મંડિત, આ સંસારનું નિરીક્ષણ કરીને
વિદ્વાનો પણ વિમાસણમાં પડે છે. એને કોની સાથે સરખાવવો તેની સમજ સાક્ષરોને પણ
નથી પડતી. પંડિતો પણ પોતાની પ્રખર પ્રજ્ઞાથી એનો પાર નથી પામી શકતા. તો હું તો
કેવળ કવિ છું. એનો પૂરો પાર કેવી રીતે પામી શકું
?
|