પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

જીવન ને મરણ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

જીવન ને મરણ ... ! લોકો એમાંથી એકનો ઉત્સવ કરે છે ને બીજાનો શોક. એકને માટે આનંદની અભિવ્યક્તિ ને બીજાને માટે આક્રંદ. પણ એમના રહસ્યને ભાગ્યે જ કોઈ જાણે છે. ને જે જાણે છે તે હર્ષ ને શોક, ઉલ્લાસ ને આક્રંદ, ઉભયથી, અતીત થઈ જાય છે.

નાટકના રંગમંચ પર એક અભિનયપટુ અભિનેતા આવે ને પાઠનો પ્રારંભ કરે તે જીવન, ને વિશ્રામની કક્ષામાં પ્રવેશ કરવા રંગમંચ પરથી વિદાય થાય તે મરણ.

અથવા એમ કહો કે ઉસ્તાદના હાથમાં સુશોભિત, સુંદર સિતારનો સૂર છૂટે તે જીવન, ને સિતારમાંથી કામચલાઉ સમય સારું સૂર છૂટે નહિ ને શાંત થાય તે મરણ.

અથવા તો પ્રભાતના પ્રથમ પ્રહરમાં, પંખી પોતપોતાના માળા મૂકીને, વિહાર માટે નીકળી પડે તે જીવન, ને સમીસાંજે, સંધ્યાની સુરખિ શરૂ થતાં કે સમાપ્તિ પર પહોંચતા, પોતાના માળામાં પાછા પ્રવેશ કરે તે મરણ.

અથવા તો પિયૂષના એક પ્યાલાને અધર પર અડાડી પીયૂષનું પાન કરવામાં આવે તે જીવન, ને એ પ્યાલાને અલગ કરીને બીજા પીયૂષ પ્યાલાનું પ્રદાન કરવામાં આવે તે મરણ.

જીવન ને મરણ ... ! લોકો એમાંથી એકને સુહ્રદ સમજે છે, ને બીજાને શત્રુ. એકને આદરથી અવલોકે છે, ને બીજાને અનાદરથી. એકથી નિર્ભય બને છે, ને બીજાથી ભયભીત. પરંતુ એમના મર્મને કોઈક, ને કવચિત જ જાણે છે. જે જાણે છે તે હર્ષ ને શોક, આદર ને અનાદર, નિર્ભયતા ને ભય, સૌથી પર બની જાય છે. તેને માટે જીવન જ જીવન રહી જાય છે, એકમાત્ર અમર જીવન રહી જાય છે, ને મરણ મરી જાય છે.

જીવન ને મરણ ... !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer