|
કલ્પનાના કોટિકોટિ કુસુમોથી કમનીય બનેલા, કવિના કાવ્યસંગ્રહને નિરખીને, એક
અક્કડ, અભિમાની એવા ભાષાવિદે ભાખ્યું : આમાં કાંઈ જ નથી. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ
આ સંગ્રહ સાવ સાધારણ છે. આમાં કશી જ નોંધપાત્ર વિશેષતા નથી.
*
શાસ્ત્રનો સાર સમજી ચૂકેલા એક સાક્ષરવર્યે, પોતાનો અપેક્ષિત અભિપ્રાય આપતાં
કહેવા માંડ્યું : આટલી અલ્પ અવસ્થાએ શબ્દો તેમજ ભાવો પરનો આ અધિકાર એકદમ
અસાધારણ કહેવાય. અંતરની અક્ષરદેહની અભિવ્યક્તિ એકદમ અલૌકિક અથવા અનેરી કહેવાય.
એને માટે મારાં અનેકાનેક આત્મિક અભિનંદન !
*
કુસુમને કેશમાં કલાત્મક રીતે ગૂંથીને કિલ્લોલ કરતી કોઈક કુમારિકાએ કવિ પરના
કાવ્યાત્મક કાગળમાં કહ્યું : કવિ, કુસુમની મનહર માળા જેવી કાવ્યની કૃતિ માટે
કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરું છું. મારા જેવી કેટકેટલી કામણગારી, કોડીલી,
કન્યાઓના કાળજાને તેં કામણ કર્યું છે, તે કેમ કરીને કહી બતાવું
?
એ સૌની હું પ્રતિનિધિ છું. તારી કાવ્યકૃતિથી મુગ્ધ થઈને મારું સર્વસમર્પણ કરવા
કે તારી થવા તત્પર છું.
*
પ્રકાશકે કહ્યું : મહાશય, સંગ્રહ હતો તો સારો, પણ નવા કવિનો, એટલે મને થયું કે
નહિ ચાલે, ને મેં છાપવાની ના પાડી. પણ આ તો ભારે સફળ થયો, અને અસાધારણ અસર
ઉપજાવી ગયો. હવે બીજી આવૃત્તિ મને જ સોંપજો.
*
કવિના કોમળ કાળજાએ કહ્યું : મારી કથા કોઈ જ નથી કહેતું. મારાં કેટકેટલાં ક્રંદન
આ કાવ્યોમાં ઠલવાયાં છે, કરુણાની કેટકેટલી કથા આની કડીએ કડીમાં કહેવાય છે,
કેટકેટલા આનંદની અનુભૂતિ, ને પીડા તથા પ્રાર્થનાનું પ્રકટીકરણ ... ! મારી કથા
તો કોઈ જ નથી કહેતું.
*
આત્માએ અવાજ આપ્યો : અરે અભાગી ! આજે પણ તું શાંત નથી રહેતું ને પ્રસન્ન નથી
થતું ?
રસની અખંડ, અલૌકિક અનુભૂતિમાં પોતાની સહજ વિસ્મૃતિ, એ તો સાચી કવિતાની
કલાત્મકતા કે કમનીયતા છે. આજે પણ તું શાંત નથી રહેતું
? |