પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

યુદ્ધના આરે ઉભેલાને

     
   
< BACK

પરિમલ

NEXT >
 

ભાઈઓ, આ આનંદમય, અમૃતસભર, અનેરી અવનીમાં આવીને, અમૃતનો આસ્વાદ લેવાને બદલે, શા સારુ વિષની વિકરાળ વરાળને વીંટળાઈ વળો છો ? તમે તો પીયૂષના પુત્રો છો, ને પીયૂષને પાવા તથા પીવડાવવા માટે જ તમારો આવિર્ભાવ છે. છતાં પણ, આ આજના અલૌકિક અવસર પર, રસથી રક્ત બનીને ધરતીને રસવંતી કરવાને બદલે, રસનો હાસ શા માટે કરી રહ્યા છો ?

 

તમારા શસ્ત્રોના ઢગલાથી ધરિત્રીનું હૈયું હાલી ઊઠ્યું છે, ને રડી રહ્યું છે. તમારા બોમ્બ ને તમારી વિસ્ફોટક, વિનાશક શસ્ત્રસામગ્રીથી તેનું તેજસ્વી મુખમંડળ જરા મ્લાન થયું છે, ને મન મૂંઝવણમાં પડ્યું છે. તમને પરસ્પર લડી મરતા ને લડવાની તૈયારી કરતા નિહાળીને તેનો પ્રાણ પોકારી ઊઠ્યો છે, ને એનો આનંદપૂર્ણ આત્મા આક્રંદ કરી રહ્યો છે. માતાની મીઠી નજરે એ તમને નિહાળે છે, તથા તમારી માવજત કરે છે. છતાં તમે એક જ માતાનાં સંતાન થઈને, આજે જ્વાલામુખીના મુખને ખોલવાની, ને એના અંતરસ્તલને બાળવાની કોશીશ કરી રહ્યા છો. એ અવલોકીને એનું કાળજુ કપાઈ ગયું છે, એની ઊંઘ ઊડી ગઈ છે, ને એની સૂધબૂધ જતી રહી છે.

 

ભાઈઓ, આ બધી અરેરાટી ઉપજાવતી તૈયારી શા માટે ? ધરતી તમારી સૌની છે, ને તમે તેના છો. છતાં એના જ અંક પર આસીન થઈને, સર્વનાશની આ સનાતન સાધના શા માટે ? આ ટીકા ને વેરભાવ, તથા શા માટે આ સર્વ સંહારની આરાધનાનો આરંભ ? એક જ મંગલ મહોત્સવમાં મહેમાન થઈને, શા માટે આ અમંગલ ઉજાણી ? એક જ ઉત્તમ ઉપવનમાં એકત્રિત થઈને, શા માટે કુવાસની આ કારમી લહાણી ?

 

આવો, અમૃતસરોવરમાં સ્નાન કરીએ, શસ્ત્રો ને બોમ્બને ફોડવાને બદલે સાગરમાં છોડી દઈએ; ને માળાનાં પંખીની પેઠે એક અવનીનાં સુખી, દૈવી નિવાસી થઈએ. અનેકને માટે એ રીતે આશીર્વાદરૂપ બની જઈએ ! આ આનંદમય, અમૃતસભર, અનેરી અવનીને આનંદમય, અમૃતસભર કરી દઈએ !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer