પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

તમારી સ્મૃતિ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

આજે આ ખુલ્લા સ્મિત કરનારા આકાશને અવલોકીને, મને તમારા અંતરની અલૌકિકતાની સ્મૃતિ થયા વિના નથી રહેતી. એ અંતર આવું જ સુમધુર, સુખદ ને શાંતિમય છે. એમાં અશુદ્ધિનો અંશ પણ નથી દેખાતો. તમારા એ અમૃતઆલોકિત અંતરની સ્મૃતિ પણ કેટલી બધી સુખદાયક ને શાંતિકારક છે !

 

આજે આ ખુલ્લા વાદળ વિનાના વ્યોમને વિલોકીને મને તમારા વદનની સ્મૃતિ થયા સિવાય નથી રહેતી. એ વદન આવું જ અનેરું, અલૌકિક અને અસાધારણ સુંદરતાથી સંપન્ન છે. એમાં ક્યાંય અસુંદરતાનો અંશ પણ નથી દેખાતો. તમારા એ વહાલ વરસાવતા, વસંતના વેણુવાદન જેવા, વદનની સ્મૃતિ પણ કેટલી બધી સુખદાયક ને શાંતિકારક છે !

 

તમે દૂર છો; ને આપણી વચ્ચે આ અનંત પર્વતમાળા પ્રસરેલી છે, એ હું જાણું છું. તમે દૂર છો, ને આપણી વચ્ચે આ સેંકડો સરિતા સાગર સ્ત્રોત સુતેલાં છે, એ હું જાણું છું. છતાં કલ્પનાની પાંખ પર બેસીને, કવિતાની કુસુમમાળા સાથે હું તમારી પાસે આવી પહોચું છું. કરોડો કામદેવની કમનીયતાને પણ ક્ષુલ્લક કરી દેનારા રૂપની રસવાટિકામાં હું ભ્રમર બનીને ભમું છું, ને તમારા રસના સરોવર સરખા હૃદય પર રાસ રમું છું.

 

તમારી દૃષ્ટિના દૈવી આસ્વાદનો જ આ આકાશ અનુભવ કરે છે, ને તમારા રસામૃતનું પાન કરતાં, તમને એકીટસે જોયા કરે છે. તમારા સનાતન સૌન્દર્ય રસમાંથી એને પણ સુંદરતા તથા તૃપ્તિ મળે છે. તમારું જગત તમારા દર્શનથી અવનવું બને છે, મારી કવિતાની જેમ તમારા શ્રીચરણે સમર્પિત થવામાં ગૌરવ ગણે છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer