પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

અમાસની અંધારી રાત

     
   
< BACK

પરિમલ

NEXT >
 

અમાસની અંધારી રાતે, અર્ણવ પરના એકાકી આવાસમાં, આપણી આંખ એક થઈ. તમારું તેજોમય, મધુર મુખ દેખીને મારો પ્રાણ પ્રસન્નતાથી પુલકિત થયો ને નાચી ઊઠ્યો. કરોડો કવિ એકઠા મળે તો પણ, તમારી કાયાની કમનીયતાની કવિતા કરી ના શકે; તો હું તો તેનું વર્ણન કેવી રીતે કરી શકું ?

 

આપણા અમીમય આલિંગનમાં અંતરે એકતાના આલાપ છોડ્યા, ત્યારે મેં તમને પ્રેમથી પરિપ્લાવિત થઈને પૂછ્યું; તમે મને ચાહો છો ? ખરેખર તમારો ગણો છો ?

 

તમે કાંઈ બોલ્યા નહિ, ત્યારે મેં ફરીવાર પૂછ્યું, ત્યારે તમારે મોઢે શરમના શેરડા ફરી વળ્યા. તમારા મધુમય મુખને મારી છાતીમાં સંતાડી દઈને, તમે મને વાણીમાં વ્યક્ત ના કરી શકાય, છતાં વાણીથી પણ વધારે વિશદતાથી ને વિસ્તારથી સમજી શકાય, એવો પ્રત્યુત્તર પૂરો પાડ્યો.

 

તમારી આંખમાંથી અંતર જાણે ઉમટી પડ્યું, ને મારી છાતી દ્વારા પ્રાણને પલાળીને કહેવા માડ્યું; તમે કહો તો ખરા કે તમારા વિના બીજા કોને ચાહું ? બીજું કોઈયે ચાહવા જેવું છે ખરું ? તમારા વિના બીજા કોને ચાહું ?

 

અમાસની અંધારી રાતે, અર્ણવ પરના એકાકી આવાસમાં એ રીતે જે વહાલની વર્ષા થઈ, તે મારા સમસ્ત જીવનમાં સુખની સૃષ્ટિ સર્જી ગઈ; જીવનમાં કાંઈક જીવવા જેવું ભરી ગઈ !

 

અમાસની અંધારી રાત મારે માટે પ્રેરક પૂર્ણિમા થઈ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer