|
તમારી
કોટયાનુકોટી કલ્પનામાં કેદ ના થાય એવી કલાત્મક છે તમારા જ પ્રસાદરૂપે પ્રાપ્ત
મારી કવિતા. તમને એની આગળ કોટિ કવિજનોની કવિતા કામની નહિ લાગે. તમારા અંતરમાં
આહલાદ ભરીને તે તમને સનાતન ને સ્વર્ગીય સુખ પૂરું પાડશે. તમને એની અક્ષય
આરાધનાથી આરામ મળશે.
કવિજનો તો
કેટલાય થઈ ગયા છે, અને અનંત આકાશના તારા જેવા બીજા કેટલાય થયા કરશે. એમની કવિતા
તમને ડોલાવશે, નચાવશે, ને કદાચ મુગ્ધ પણ કરતી રહેશે. એમની કવિતા તમને
આશ્ચર્યચકિત પણ કરી દેશે. પરંતુ કાળનો પણ કોળિયો કરનારી, કાળજાની કુસુમમાળા
જેવી મારી કવિતા તમારા કાળજાની કોર જેવી થઈ પડશે, ને તમારા જીવનની દીપમાળા
બનીને, તમારા પથ પર પ્રકાશ્યા કરશે.
તે કોઈ
સ્વર્ગની અપ્સરાશી આકર્ષક ને દેવના દૂત જેવી દૈવી નહિ લાગે તો હરકત નહિ. તેના
કાળજામાં કરોડો કુસુમની કમનીયતા અથવા આકાશની અનંતતા નહિ લાગે તો પણ પરવા નહિ. એ
તો આ ધરતી અને એના પર વસનારા તમારા અનન્ય આરાધકની અંજલિ છે અને એના સ્નેહની
સુરાવલિ. તમારા પ્રાણને પુલકિત તથા પ્રેમથી પરિપ્લાવિત કરવા જ તે પ્રકટી છે.
તમારી પૃથ્વીને પીયૂષથી પાવન કરવામાં જ તેની કૃતાર્થતા છે. તેના તરફ તમે તમારી
રસિક નજરે નિહાળશો તો પણ ઘણું.
કવિજનો તો
કેટલાય થઈ ગયા, અને અબ્ધિના અગણિત તરંગની જેમ થયા કરશે. એમની કવિતા ગમેતેવી હોય
ને હશે;
પરંતુ મારી કવિતામાં તો એવું કામણ ભરી દો કે એના આસ્વાદથી આ આખીયે અવની અમૃતમય
અને એક બને, ને સુખનો શ્વાસ લે. માનવના મનને એ મધુમય કરે, તથા પ્રાણને પ્રકાશે
ભરે. એ રીતે તમારા સંસારની સેવાની સામગ્રી બનીને પોતાનું સમગ્ર ધન એ તમારા
શ્રીચરણે ધરે ! એના આસ્વાદથી આત્મામાં અખંડ આનંદનો અનંત અર્ણવ ઊછળવા લાગે, ને
જીવનને એવી માધુરી મળે જે કરમાય નહિ, ને દુ:ખ તથા દર્દના દાવાનળમાં પણ દિલને ના
છોડે ! |