પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

આકાંક્ષાની અભિવ્યક્તિ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

વિપત્તિનો વરસાદ વરસે, ને મસ્તક પર ઘોર ગગડાટ કરતાં ઘન ગરજે, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

*

ચિંતાની ચિતા ચારેકોર પ્રજળ્યા કરે, અને આપત્તિના અંગાર આજુબાજુથી અણધાર્યા આવી મળે, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

*

નિષ્ફળતા ને નિરાશાનું નર્તન થાય, અને અશાંતિ ને વેદના મારી આસપાસ પોતાનું ગીત ગાય, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

*

અમાસના અપાર અંધકારના ઓળા બધે ઊતરી પડે, ને પ્રકાશનું એકે કિરણ અને એથી આલોકિત આવાસ અથવા પ્રવાસનો પંથ પણ ના જડે, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

*

વહાલાં હોય તે પણ વિદાય લે, સ્નેહી સ્નેહ તેમજ સાથ છોડી દે, તથા સ્વાગત કરનારાં ને સ્તુતિ ગીત ગાનારાં અપમાન અને અભિશાપની સામગ્રી દે, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

*

ચારે તરફ ભલે કાદવ હોય, ને સ્મશાનના સાથી વિનાના સરોવરમાં જ કમળ બનીને શ્વાસ લેવાનું ને સ્નાન કરવાનું હોય, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

*

જીવનનો મારો રસ કદી પણ ના ખૂટે, વિશ્વાસ ના તૂટે, ને તારી સાથેનો સનાતન, સ્વર્ગીય, સુધામય સંવાદ ના છૂટે, સ્વપ્ને પણ ના છૂટે, ઓ મહાકવિ ! મારા કરુણા, પ્રેમ, પ્રશાંતિ ને તિતિક્ષાના અનેરી ઐશ્વર્યને કદી કાળ ને કોઈ પણ ના લૂંટે !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer