પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સ્નેહનાં સ્વરૂપ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

'મા'ની મધુમય મુખાકૃતિમાં, આ પૃથ્વી પર પ્રકટીને, સૌથી પહેલાં તેણે તને તેના દર્શનના દૈવી આનંદનો અનુભવ આપ્યો છે, એ હું જાણું છું. એ અદભૂત અનુભવ તેં નથી કર્યો ?

 

એનું પયપાન કરીને, એની સ્નેહસુધામાં સુખપૂર્વક સ્નાન કરીને, અને એના અનુરાગને અંતરમાં અને અંગેઅંગમાં ભરીને, આ પાવન પૃથ્વીપર તેં પા પા પગલી કરી છે, એ હું જાણું છું. એ વાતનું તને વિસ્મરણ થયું છે ?

 

સૂર્યોદય પહેલાંની સવારના પંખીના સુમધુર સ્વરથી પણ વધારે સુમધુર સ્વરે, તેણે તારું સ્વાગત કર્યું છે, અને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિની પરવા કર્યા વિના, મીઠામાં મીઠી માવજતથી, તારા તન ને મનમાં, અરે સમસ્ત જીવનમાં, મધુ મઢ્યું છે, એ હું જાણું છું. એ સ્નેહની તને સ્મૃતિ છે ?

 

ને પછી, પ્રિયતમાના એક બીજા રૂપમાં, અભિનયનાં અવનવાં, અલૌકિક અજવાળાં પાથરતા, જીવનના રંગમંચ પર એણે પ્રવેશ કર્યો છે. એ પાત્રમાં પ્રવેશીને એણે એની સમસ્ત સંપત્તિનું તને સમર્પણ કર્યું છે, ને તારા જીવનને જ્યોત્સ્નાથીય વધારે આહલાદક અજવાળે ભર્યું છે, એ હું જાણું છું. એ અનેરો અનુભવ શું તું ભૂલી ગયો છે ?   

 

સ્નેહનાં એ સર્વોત્તમ સ્વરૂપોમાં એની જરીક પણ ઝાંખી કરી શક્યો હોત, મમતા ને મધુરતાના એ મંગલ મધપૂડાના મધુને લેશ પણ જાણી શક્યો હોત, તો તું ઈશ્વરનો ઈન્કાર ના કરત, ઈશ્વરથી દૂર ના ફરત, ઈશ્વરના શ્રીચરણે તારું જીવન ધરત, ને મૃત્યુના મુખમાં પણ ના રમત.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer