|
અસત્ય ને
અન્યાયનાં નહિ પણ સત્ય ને ન્યાયનાં બળનો જ વિજય થશે. શોષણ, ત્રાસ ને જોર જુલમ
નહિ, પણ પોષણ, સહાનુભૂતિ ને સહકારનાં બળો જ સફળ થશે. અશાંતિ નહિ શાંતિ, ને
અંધકાર નહિ પણ પ્રકાશ જ સનાતન છે, અને આખરે એમનો જ મહિમા વિશ્વમાં વ્યાપક બનશે
તથા દિશાપ્રદિશામાં ફરી વળશે. અસત્ય ને અન્યાયનાં નહિ પણ સત્ય ને ન્યાયનાં બળો
જ વિશ્વમાં વિજયી થશે.
*
કષ્ટ, ક્લેશ
કે કાલિમા નહિ પરંતુ સુખ, સંપ ને શુદ્ધિને જ છેવટે સફળતા મળશે, ને પ્રતિકુળતા
નહિ પણ અનુકૂળતા જ વિજયને વરશે. માનવના મનની મેલી મુરાદ, ને તેને પૂરી કરવાના
કરોડો કીમિયા, નાકામિયાબ બનશે. એની અહંકારોત્પન્ન, આડંબરપૂર્ણ, અમંગલ, આકાંક્ષા
અસફળ થશે : એક તમારી જ ઈચ્છા, આકાંક્ષા, પ્રેરણા કે યોજનાનો જયજયકાર થશે.
ઘડી-બે ઘડી ચમકીને ચાલ્યાં જતાં તુષાર બિંદુની જેમ માનવની બધી જ બાજી બગડી જશે,
બેહાલ બનશે, ને તમારી જ બાજીને વિજય મળશે. અસત્ય ને અન્યાયનાં નહિ પણ સત્ય,
નીતિ ને ન્યાયનાં બળોને જ વિજય મળશે.
*
અંધકારનાં
અનેકાનેક આવરણથી આવૃત અવની આખરે અલૌકિક અજવાળાથી આલોકિત બનશે, પ્રેમના પ્રભાવથી
પૃથ્વી પાવન થશે, સદાચાર ને સહયોગની સ્વર્ગીય, સુખદાયક, શાંતિકારક સૌરભ સઘળે
ફરી વળશે, ને દાનવતા નહિ પણ માનવતા, ને વેર નહિ, પણ પ્રેમનો જયજયકાર થશે.
માનવના મનને મારી નાખવાના, એના આત્માને અવરોધવાના, આતંકિત કે અપમાનિત કરવાના,
ગૂંગળાવવાના કે કેદ કરવાના, તથા પ્રભુતાને બદલે પશુતામાં પલટાવવાના, પાર
વિનાના, પ્રખરમાં પ્રખર પ્રયાસ પણ પાણીમાં જશે, અથવા માટીમાં મળશે. માનવનો
આત્મા આઝાદ થઇને એનું સર્વકાંઈ સ્વતંત્ર ને સમુન્ન્ત થઈને જ, જંપી કે શાંતિનો
શ્વાસ લઈ શકશે. અસત્ય, અનીતિ ને અન્યાયનાં નહિ પણ સત્ય, નીતિ ને ન્યાયનાં બળો જ
છેવટનો જંગ જીતી શકશે.
*
નિરાશા
નાસીપાસ થશે, અંધકારનો અંત આવશે, આંસુના અર્ણવમાં ઓટ આવશે, પીડાના પ્રખર
પારાવારની પણ પાર પહોંચાશે, પ્રવાસના પથ પર પાવન પ્રકાશ પથરાશે. નવજીવનનાં
સંદેશવાહક થઈને પંખી પોકારી ઊઠશે;
ને ચમેલી, ચંપા, માલતી ને મોગરાની મહેંકથી માદક સમીરની સુસવાટા કરતી લલિત લહરી
બધે ફરી વળશે. રાત્રી પૂરી થશે, ને પ્રભાત પ્રકટશે. સમીપના સરોવરમાં સ્મિત
કરતાં કમળની જેમ, સહસ્ત્ર સહસ્ત્ર કમળની કમનીયતાથી, સંસાર સુશોભિત બનશે. અસત્ય
ને અન્યાયનાં નહિ પણ સત્ય ને ન્યાયનાં બળનો જ વિજય થશે.
*
પાસેના પર્વત
પાછળથી પ્રકટતા પ્રભાકરને પેખીને, કવિનું કોમળ, કોડીલું, કામણગીરું, કાળજું
કવિતામાં એ પ્રમાણે બોલી ઊઠ્યું ને કવિએ એનું ગીત ગૂંથ્યું. |