Yoga - union of body, mind and soul

योग

India's invaluable gift to the world

HOME | AUDIO | BOOKS | BHAJANS | BHAGAVAT | BHAGAVAD GITA | MAHABHARAT | RAMAYAN | UPANISHAD | YOG SUTRA | MORE

 

ષટ્ ક્રિયાઓ - ધોતિ

Back to Yog : Index page

Dhauti

अथ धौतिः

चतुर् अङ्गुल विस्तारं हस्तपञ्चदशायतम् ।

गुरूपदिष्टमार्गेण सिक्तं वस्त्रं शनैर्ग्रसेत् ।

पुनः प्रत्याहरेच्चैतदुदितं धौतिकर्म तत् ॥२४॥

कासश्वासप्लीहकुष्ठं कफरोगाश्च विंशतिः ।

धौतिकर्मप्रभावेण प्रयान्त्येव न संशयः ॥२५॥

હઠયોગ પ્રદીપિકામાં ધોતિક્રિયા વિશે ઉપર પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવેલો છે. શરીરના મહત્વના અંગોમાં પેટનો સમાવેશ થાય છે. મનુષ્યના શરીરના સ્વાસ્થ્યનો ઘણો મોટો આધાર પેટની સફાઈ પર રહેલો છે. આથી પેટની સફાઈ કરવી અત્યંત જરૂરી છે. ધોતિ એ મુખથી પેટ સુધીના અન્નમાર્ગની આંતરિક સફાઈ માટેની એક મહત્વની પ્રક્રિયા છે.

 

વસ્ત્ર ધોતિ

ધોતિ ક્રિયા માટે ચાર આંગળ પહોળો (લગભગ ત્રણ ઈંચ) અને પંદર હાથ લાંબો (આશરે વીસ ફૂટ) બંને કિનારા સીવેલો હોય એવો સુંવાળો મલમલનો કટકો લો. તેને ગરમ પાણીમાં ધોઈને શુદ્ધ કરો. પછી તેના એક છેડાને હાથમાં પકડી રાખી બીજા છેડાને આંગળીથી પકડી મુખની અંદર ધીરેથી મૂકો. જે રીતે પ્રાણીઓ ખોરાક ગળી જાય તે રીતે તેને ગળી જવાનો પ્રયત્ન કરો. ધોતિને ચાવવાનો પ્રયત્ન ન કરવો. જો કાપડનો ટુકડો અન્નમાર્ગમાં ચોંટી જાય અને આગળ ન વધે તો થોડું પાણી પીઓ જેથી કપડાંને અંદર જવા માટેનો માર્ગ સરળ બને. શરૂશરૂમાં કાપડનો ટુકડો-ધોતિ અંદર ઉતારતા ઉલટી જેવું થાય કે ઉબકાં આવે તો ગભરાવું નહી કારણ આપણું ગળું સ્પર્શથી સંવેદના અનુભવે છે એથી કાપડના ટુકડાનો સ્પર્શ થતાં એવી પ્રતિક્રિયા થવી સ્વાભાવિક છે. આવી સંવેદના ઓછી કરવા માટે ધોતિના કપડાને થોડો સમય દુધમાં પલાળી મોંની અંદર ઉતારી શકાય અને ધોતિને સરળતાથી અંદર ઉતારવા પાણીને બદલે થોડું દુધ પણ પી શકાય.

ધીરે ધીરે લગભગ આખું કપડું ગળી જાઓ. કપડાંનો બીજો છેડો હાથથી પકડેલો રાખવો જેથી સંપૂર્ણ કપડું અંદર ન ચાલ્યું જાય. જ્યારે લગભગ આખું કપડું અંદર ચાલ્યું જાય ત્યારે આ સ્થિતિમાં તેને લગભગ પાંચ મિનિટ રાખો અને તે દરમ્યાન નોલિક્રિયા વડે તમારા પેટને હલાવો. આ ક્રિયા દરમ્યાન ધોતિનો ટુકડો દાંત અને હોઠની મદદથી બરાબર પકડી રાખો. (નૌલિક્રિયા વિશે આગળના લેખમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે.) આમ કરવાથી અન્નમાર્ગ અને પેટની અશુદ્ધિઓ વલોવાઈને કપડાં સાથે ભળી જશે.

હવે ધીરેથી કપડાંને મોંથી બહાર ખેંચવાની શરૂઆત કરો. આ ક્રિયા અત્યંત ધીરેથી અને સાવધાનીથી કરવાની જરૂર છે. જેમ જેમ કપડું બહાર આવતું જશે તેમ તેમ અન્નનળી અને પેટની અંદરની કફાદિ અશુદ્ધિઓ કપડાં સાથે ચોંટીને બહાર આવતી જશે. જ્યારે સંપૂર્ણ ધોતિ-વસ્ત્ર બહાર આવી જાય ત્યારે તેને ગરમ પાણીમાં ઉકાળી સાબુથી સારી રીતે ધોઈ નાખો જેથી તેમાં કોઈ અશુદ્ધિઓ કે જીવાણુઓ ન રહી જાય અને તેને ફરીવાર સલામત રીતે ઉપયોગમાં લઈ શકાય.

 

દંડ ધોતિ

ધોતિ ક્રિયામાં કાપડના ટુકડાને બદલે જાડી દોરડીનો કે કેળના વૃક્ષના પાતળા દંડનો ઉપયોગ પણ કરી શકાય. ઘણી વ્યક્તિઓને દંડથી ધોતિ કરવી વધુ સરળ લાગે છે. તેઓ પ્રથમ દંડ ધોતિમાં કુશળતા હાંસલ કર્યા પછી વસ્ત્ર ધોતિનો પ્રયોગ કરી શકે. જો કે દંડ ધોતિથી વસ્ત્ર ધોતિ જેવી શુદ્ધિ થતી નથી.

 

વમન ધોતિ કે ગજકરણી

વમન ધોતિમાં પેટ અને આંતરડાને મીઠાના પાણીથી શુદ્ધ કરવામાં આવે છે. જેવી રીતે હાથી પોતાની સૂંઢમાં પાણી ખેંચે છે અને પછી તેને બહાર કાઢી નાંખે છે તેવી જ રીતે આ ક્રિયામાં વ્યક્તિ મીઠાના પાણીથી પોતાનો અન્નમાર્ગ સાફ કરે છે. એથી આ પ્રક્રિયાને ઘણી વાર ગજકરણી કે કુંજર ક્રિયા (એટલે કે હાથીની જેમ કરાતી ક્રિયા) પણ કહેવામાં આવે છે.

આ ક્રિયા ભૂખ્યા પેટે જ કરવી અને ભોજન પછી ન કરવી. પરંતુ કોઈ દિવસ વિષયુક્ત ભોજન થયું હોય તો તેને બહાર કાઢવા માટે આ ક્રિયા કરી શકાય.

સૌપ્રથમ હુંફાળું પાણી લો અને તેમાં મીઠું ઉમેરો. અગાઉ નેતિના લેખમાં જણાવ્યા મુજબ બજારમાં જુદીજુદી પ્રકારનું મીઠું ઉપલબ્ધ છે. નેતિ માટે રોક સોલ્ટ અયોગ્ય હતું પરંતુ આ ક્રિયામાં પાણી પેટની અંદર જઈને બહાર કાઢવાનું હોવાથી તેમાં રોક સોલ્ટનો ઉપયોગ કરી શકાય.

તૈયાર થયેલા મીઠાવાળા હુંફાળા પાણીના બે-ત્રણ ગ્લાસ (આશરે પાંચ શેર) પી જાઓ. પછી ઉભા રહી, કેડથી શરીરનો ભાગ નમાવી બંને હાથના પંજાથી ગોઠણના ઉપરના ભાગને પકડીને ઉડ્ડીયાનબંધ તથા નૌલિક્રિયા વડે પેટને હલાવો. એમ કરવાથી ઉલટી જેવું થશે. જો એવું ન લાગે તો બીજું થોડું પાણી પીઓ. શરૂશરૂમાં ઉલટી કરવા માટે આંગળીને મોંમાં જીભના મૂળ પાસે અડાડી શકાય. એમ કરવાથી તુરત ઉબકા આવશે કે ઉલટી જેવું થશે. અભ્યાસ સિદ્ધ થતાં આંગળી અડકાડવાની જરૂર નહીં રહે, માત્ર અપાનવાયુ ઉપર ચઢવાથી પેટમાંનું પાણી બહાર નીકળશે.

ઉલટી જેવું થતું જણાય એટલે ઉભડક બેસી જાઓ અને બાથરૂમ કે વોશબેસીન આગળ બેસી જેટલી પણ થાય એટલી ઉલટી કરો. આમ કરવાથી પેટની અંદરની બધી અશુદ્ધિઓ પાણી સાથે બહાર નીકળી જશે. જ્યારે બધું જ પાણી બહાર આવી જાય ત્યારે માત્ર ગંધરહિત હવા બહાર આવતી જણાશે. એથી માલૂમ પડે કે બધું પાણી નીકળી ગયું છે.

 

સાવધાની

વસ્ત્ર ધોતિ ખાલી પેટે કરવી હિતાવહ છે. આ ક્રિયા કરવામાં ઉતાવળ કરવાથી ગળામાં બેચેની કે બળતરા થવાનો સંભવ છે. આ ક્રિયા યોગની અન્ય ક્રિયાઓની માફક અનુભવી કે ગુરુના માર્ગદર્શન નીચે કરવી અત્યંત સલાહભરેલ છે.

ધોતિનો અભ્યાસ પ્રારંભ કરનારે શરૂઆતમાં એક હાથ કે બે હાથ ધોતિને ગળવી - અંદર ઉતારવી. અભ્યાસ વધતાં વધુને વધુ ધોતિ ગળવાનો પ્રયત્ન કરવો. થોડાં અભ્યાસ પછી સંપૂર્ણ ધોતિ અંદર ઉતારી શકાશે. આ રીતે કરવું એવી સલાહ છે પરંતુ એવો નિયમ નથી. અર્થાત્ જેટલી પણ ધોતિ સહજ રીતે ગળી શકાય તેટલી ધોતિ ગળવી અને અભ્યાસ વધારતાં તેમાં વધારો કરવો. પ્રથમ પ્રયત્ને જ એમાં મહારથ હાસલ કરવા માટે સંપૂર્ણ ધોતિ ગળવાનો પ્રયત્ન ન કરવો.

સ્વસ્થ વ્યક્તિઓએ આ ક્રિયા પંદર દિવસે કે મહિને એક વાર કરવી જોઈએ. જો અન્નનળીના માર્ગમાં વધુ અશુદ્ધિઓ કે કફ જણાય અને શુદ્ધિ આવશ્યક લાગે તો આ ક્રિયા અઠવાડિયે પણ કરી શકાય.

ધોતિનો પ્રયોગ કરનારે સાત્વિક આહાર લેવો ખૂબ જરૂરી છે. કફાદિ દોષોને વધારનારી ચીજવસ્તુઓથી દુર રહેવું.

આંતરડાની નિર્બળતાવાળા, સંગ્રહણી રોગવાળા, અશક્ત, વૃદ્ધ, જ્વરથી પીડાતા, દુર્બળ લોકોઓ ધોતિ ન કરવી. સગર્ભા મહિલાઓએ પણ વસ્ત્ર કે વમન ધોતિ ન કરવી.

 

ફાયદા

વસ્ત્ર ધોતિ કરવાથી મુખથી પેટ સુધીના અન્નમાર્ગની શુદ્ધિ થાય છે. ધોતિ કરવાથી મુખ્યતઃ કફથી થતા રોગો - જેમ કે ઉધરસ, દમ, શ્વાસના દર્દો, પ્લીહા તથા કોઢ અને ગુલ્મ જેવા રોગ દુર થાય છે. અન્નમાર્ગ અને પેટની શુદ્ધિ થતા આરોગ્યની સાથે સાથે બળની પણ વૃદ્ધિ થાય છે. ભૂખ પણ વધુ લાગે છે.  અજીર્ણ, પિત્તવૃદ્ધિ, કૃમિ, રક્ત-વિકાર, આમવાત, વિષવિકાર આદિ વ્યાધિઓ વમન ધોતિથી મટે છે.

 

 
 

 | Adhyatma| Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal |

 |  Articles | Autobiography | Letters | Lectures | Kavita | Poems | Q&A | Teachings | Writings |

| Calendar | E-books | GopiGeet | Shivmahimna Stotra | Vishnu Sahasranam | Ramana Maharshi | TirthYatra | YogAsana |

| HOME | ABOUT US | DOWNLOAD | FAQ | FEEDBACK | GLOSSARY | GUEST BOOK | LINKS | SITE MAP | WHAT'S NEW |

Copyright © Swargarohan, Danta Road, Ambaji, Gujarat, INDIA. All rights reserved. Copyright | Disclaimer | Privacy Policy