|
Kaivalya Pada
: Verses 21 - 25
|
|
२१.
चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसंकरश्च
। |
|
ર૧. એક ચિત્તને બીજા ચિત્તનું દૃશ્ય માનવાનું વલણ બરાબર નથી. કેમ કે તેના
વલણથી એક ચિત્ત જેમ બીજા ચિત્તનું દૃશ્ય થશે, તેમ બીજું ચિત્ત વળી કોઇ ત્રીજા
જ ચિત્તનું દૃશ્ય થશે. તેથી અનવસ્થા દોષ ઉત્પન્ન થવાનો ને સ્મૃતિની સંકરતા
થવાનો દોષ ઊભો થશે. એક ચિત્તને કોઇ વિષયનું જ્ઞાન થાય, બીજા ચિત્તને તે વિષય
સાથે ચિત્તનું જ્ઞાન થાય, ત્રીજાને વળી તેનું ને ચોથાને ત્રીજાનું જ્ઞાન થાય.
એ પ્રમાણે ચાલવાથી એક વસ્તુના જ્ઞાનનો કદી અંત આવે નહિ. તે અનવસ્થા દોષ થાય.
તે ઉપરાંત, તે અનેક પ્રકારના જ્ઞાનની સ્મૃતિ એકીસાથે થવાથી સ્મૃતિનું
સંમિશ્રણ થઇ જશે. કયા જ્ઞાનનું સ્વરૂપ કેવું છે તેનો નિર્ણય કરવાનું કામ
મુશ્કેલ બનશે. તેથી ચિત્તથી ભિન્ન દૃષ્ટા માનવાનું વલણ બરાબર છે.
------- |
|
२२.
चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम्
। |
|
રર. ચેતન પુરુષ નિર્વિકાર, ક્રિયારહિત ને અસંગ છે એ સાચું છે. પરંતુ જુદાજુદા
દૃશ્ય પદાર્થોના પ્રતિબિંબથી તદાકાર થઇ ગયેલા ચિત્તના સંબંધથી તે ચિત્તના જેવો
આકાર ધારણ કરે છે. તે વખતે તેને વૃત્તિઓ તેમ જ બુદ્ધિનું જ્ઞાન થાય છે. તેથી
તેને બુદ્ધિ ને બુદ્ધિની વૃત્તિઓનો જ્ઞાતા ને ભોક્તા કહેવામાં આવે છે.
વાસ્તવમાં પુરુષ જ્ઞાતા કે ભોક્તા નથી પણ અસંગ, નિર્વિકાર ને સ્વયંપ્રકાશિત
છે.
------- |
|
२३.
द्रष्टृदृश्योपरक्तं चित्तं सर्वार्थम्
। |
|
ર3. ચિત્ત જ્યારે દૃશ્ય પદાર્થથી રંગાઇને પોતાના સ્વરૂપ સાથે દ્રષ્ટાનો વિષય
બનીને તેની સાથે સંબંધ સાધે છે, ત્યારે દ્રષ્ટા ને દૃશ્ય બંનેના રંગમાં રંગાઇ
જાય છે. તે બંનેનું પ્રતિબિંબ તેમાં પડે છે, એટલે તે બંનેનો આકાર ધારણ કરે
છે. તે વખતે તેનું પોતાનું રૂપ પણ કાયમ રહે છે. તેથી તે ચિત્ત સર્વ અર્થવાળું
થઇ જાય છે. દૃશ્ય પદાર્થના રૂપવાળું, દ્રષ્ટા પુરુષના રૂપવાળું ને પોતાના
રૂપવાળું, એ પ્રમાણે તે સર્વ રૂપવાળું થઇ જાય છે.
વસ્તુતઃ ચિત્ત તેમાં પ્રતિબિંબ થનારા વિષયોથી ને ચેતન પુરુષથી તદ્દન જુદું
છે. પરંતુ તે ભ્રાંતિથી તેમના રૂપમાં દેખાય છે. સમાધિની મદદથી પુરુષની પોતાના
સ્વરૂપમાં સ્થિતિ થઇ જતાં, તેવી ભ્રાંતિ કાયમ માટે દૂર થાય છે.
------- |
|
२४.
तदसंख्येयवासनाचित्रम् अपि परार्थं संहत्यकारित्वात्
। |
|
ર૪. જે વસ્તુ ઘણા પદાર્થો મળવાથી કામ કરી શકે તે સંહત્યકારી કહેવાય છે. દાખલા
તરીકે મકાન. તેવી વસ્તુ પોતાને માટે નહિ, પરંતુ બીજાને માટે જ હોય છે. માટે
તે પરાર્થ કહેવાય છે. ચિત્ત પણ સત્વ, રજ ને તમ - ત્રણે ગુણોના સંમિશ્રણથી
ઉત્પન્ન થયું છે, તથા ઇન્દ્રિયો ને બાહ્ય પદાર્થોના સંયોગથી, તેમની સાથે મળીને
કામ કરી શકે છે. તેથી તે પણ પોતાને માટે નહિ, પણ દ્રષ્ટા પુરુષને માટે છે.
તેના જ ભોગ ને મોક્ષને માટે તે જુદી જુદી વાસનાથી ચિત્રિત થયેલું છે. તેની
અંદર બધા બાહ્ય પદાર્થોનાં ચિત્રો અંકિત થાય છે, ને તે વિવિધ વાસનાથી ભરેલું
છે, છતાં તે સ્વયંપ્રકાશ કે દ્રષ્ટા નથી. તે બીજાને માટે છે.
------- |
|
२५.
विशेषदर्शिन आत्मभावभावनाविनिवृत्तिः
। |
|
ર૫. સાધારણ માણસોમાં ને અસાધારણ કહેવાતા વિદ્વાનોમાં પણ પોતાના સ્વરૂપના
જ્ઞાનની ભાવના જોવા મળે છે. પોતાના સ્વરૂપને જાણવા માટેના સંકલ્પ તેમની અંદર
ઉત્પન્ન થયા જ કરે છે. પરંતુ જે વિશેષદર્શી છે, એટલે કે જેને પોતાના સ્વરૂપનો
પ્રત્યક્ષ અનુભવ થઇ ગયો છે, તેની આત્મભાવની ભાવના કાયમ માટે મટી જાય છે. તે
અહંભાવથી મુક્તિ મેળવે છે.
|
|
(From Shri Yogeshwarji's
book entitled 'Patanjal Yog Darshan') |
|
॥
Patanjali's Yog Sutra
॥
|
Samadhi Pada |
Sadhan
Pada
|
Vibhuti Pada
|
Kaivalya Pada
| |