૧૫. પરિણામ દુઃખ, તાપદુઃખ ને સંસ્કારદુઃખ એ ત્રણ જાતના દુઃખ બધામાં રહેલાં
છે. તેમજ ત્રણ ગુણોની વૃત્તિઓમાં પરસ્પર વિરોધ રહેલો છે. તેથી વિવેકીને માટે
બધી જાતના કર્મફળ દુઃખમય જ છે.
૧) પરિણામદુઃખ - જે કર્મફળ ભોગકાળમાં, શરૂઆતમાં સુખમય દેખાય છે, તેનું
પરિણામ પણ છેવટે તો દુઃખ જ છે. જેમકે શરીરસુખ માણતી વખતે સ્ત્રી તેમજ પુરુષને
સુખ લાગે છે, પણ પરિણામે તે દુઃખદ દેખાય છે. કારણકે તેથી બલ, વીર્ય, યૌવન ને
સ્મરણશક્તિ વગેરેનો નાશ થતો જાય છે. તે જ વાત શરૂઆતમાં સુખકારક એવા બીજા
ભોગોને પણ લાગુ પડે છે. ગીતામાં પણ આ વાત આવી જાય છે.
ભોગોને ભોગવવાથી છેવટે માણસ નિર્બળ બની જાય છે. છેવટે ભોગોને ભોગવવવાની શક્તિ
પણ તેનામાં નથી રહેતી. છતાં તેની તૃષ્ણા ચાલુ જ રહે છે. તેથી તે દુઃખકારક થઇ
પડે છે. તે ઉપરાંત, કાં તો ભોગ માણસનો ત્યાગ કરે કે પછી માણસ ભોગ ને મુકીને આ
સંસારમાંથી ચાલતો થાયઃ એ બે માંથી કોઇ એક પરિણામ જરૂર આવે છે. તે દુઃખદાયક જ
થઇ પડે છે.
કોઇપણ ભોગ સુખમય લાગતાં માણસને તેમાં આસક્તિ થાય છે. તેથી તે સુખ રાગ નામે
ક્લેશથી મિશ્રિત હોય છે. ભોગને મેળવવા માટે માણસ પુણ્ય કે પાપ અથવા સારા નરસા
કર્મો પણ કરે છે. પ્રયાસ કરવા છતાં ભોગની પ્રાપ્તિમાં સફળ ના થવાય ત્યારે,
અથવા પ્રતિકૂળ પરિસ્થિતિની પ્રાપ્તિ થતાં, દ્વેષ પણ થાય છે. કોઇને નુકસાન
કરવાનું મન થાય છે. એ રીતે રાગ, દ્વેષ, હિંસા જેવી વૃત્તિના શિકાર થવું પડે
છે. આ બધું પરિણામ દુઃખ કહેવાય છે.
૨) તાપદુઃખ - ભોગ પરિપૂર્ણપણે પ્રાપ્ત થયા ના હોય તે દશામાં સંતાપ થયા કરે
છે. બીજા વધારે ભોગી ને સુખી માણસોને જોઇને પણ દુઃખ, તૃષ્ણા ને ઇર્ષાનો અગ્નિ
જલ્યા કરે છે. ભોગ કે સુખ છેવટે તો નાશવંત છે એવી સમજને લીધે પણ, તેના ભાવિ
વિયોગની કલ્પનાથી પણ માણસને શોક થાય છે. એ બધું તાપદુઃખ છે.
૩) સંસ્કારદુઃખ - માણસ જે ભોગો ભોગવે છે, તેના સંસ્કાર તેના મનમાં જામી જાય
છે. જ્યારે ભોગ્ય પદાર્થથી તેનો વિયોગ થાય છે, ત્યારે પહેલાંનાં સુખદુઃખને
યાદ કરીને તે દુઃખી થાય છે. એ રીતે એ સંસ્કારો સ્મરણ કરવાથી મહાન શોકનું કારણ
થઇ પડે છે. સ્ત્રી, પુત્ર, ધન, સ્વજન ને ઘરબાર સૌના સંબંધમાં આવું છે. તે
ઉપરાંત ભોગોના સંસ્કાર ભોગોમાં આસક્તિ ઉત્પન્ન કરનારા થઇ પડે છે. માટે લાંબે
ગાળે દુઃખદાયક થઇ પડે છે.
૪) ગુણવૃત્તિવિરોધ - ગુણોના કાર્યને ગુણવૃત્તિ કહે છે. તેમાં પરસ્પર વિરોધ
રહેલો છે. દાખલા તરીકે, સત્વગુણનું કાર્ય, પ્રકાશ, જ્ઞાન ને સુખ છે, તો
તમોગુણનું કાર્ય અંધકાર, અજ્ઞાન ને દુઃખ છે. એને લીધે સુખના સમયમાં પણ શાંતિ
રહેતી નથી. સત્વગુણની વિશેષતા હોય ત્યારે પણ રજોગુણ ને તમોગુણનો છેક અભાવ નથી
હોતો. તેથી તે વખતે પણ દુઃખ ને શોક કાયમ રહે છે. તે ગુણનું કાર્ય પણ સંપૂર્ણ
સુખરૂપ નથી થતું.
એટલે વિવેકી પુરુષની દૃષ્ટિએ બધી પ્રકારના કર્મવિપાક દુઃખમય જ છે. ભોગ પણ
શરૂઆતમાં સુખમય દેખાય તોપણ, છેવટે દુઃખમય જ છે.