જે પ્રીતડી થઈ તે કો’દી નહીં જ તૂટે, કોઈ ઉપાય તૂટે !
છો શ્વાસ કો’દી ખૂટે, આ પ્રીત ના જ તૂટે, કોઈ ઉપાય તૂટે !
સ્થાપ્યાં તમોને દિલમાં, ભાળ્યાં અખિલ જગતમાં,
સંબંધ કેમ છૂટે, કોઈ ઉપાય છૂટે ! ... જે પ્રીતડી.
ગંગા પ્રસન્ન વહેતી, સુખ-શાંતિ દિવ્ય દેતી,
તેવી સુધા તમારી, ઉરથી નહીં જ ખૂટે ! ... જે પ્રીતડી.
કો વિશ્વના વિષયનો, કે માનવી-પ્રણયનો,
અંકુર નહીં જ ફૂટે, કોઈ ઉપાય ફૂટે ! ... જે પ્રીતડી.
બનતાં પ્રસન્ન પ્રેમે, આશિષ દો તમે યે,
ના સાથ કો દી છૂટે, કોઈ ઉપાય છૂટે ! ... જે પ્રીતડી.
‘પાગલ’ થયો તમારો, લીધો છે રાહ ન્યારો,
તે રાહ ના જ છૂટે, કોઈ ઉપાય છૂટે ! ... જે પ્રીતડી.
- શ્રી યોગેશ્વરજી