MP3 Audio
*
આ જગમાં તારું સાચેસાચું કોણ છે ?
પ્રાણ થકી પ્યારું હિત કરનારું કોણ છે ?
આ જગમાં તારું સાચેસાચું કોણ છે ?
સંરક્ષક સાચું કોણ કહે;
સંગાથ સદાયે કોણ રહે ?
છાયા ને તાપે સુખ ધરનારું કોણ છે ?
આ જગમાં તારું સાચેસાચું કોણ છે ?
માયા તેં જેની આજ કરી,
તે કોટિ ઉપાય રહે ન ઠરી,
આ નિયતિચક્રમાં સ્વસ્થ-સનાતન કોણ છે ?
આ જગમાં તારું સાચેસાચું કોણ છે ?
લે એનું સ્મરણ સદાય કરી,
વિષને અમૃતમાં રસ ભરનારું કોણ છે ?
આ જગમાં તારું સાચેસાચું કોણ છે ?
જો જીવનમાં સુખશાંતિ ચહે,
ઝંખે કે અમૃત આત્મ લહે,
તો શરણ લઇ લે એનું, તારું કોણ છે ?
આ જગમાં તારું સાચેસાચું કોણ છે ?
ચરણોમાં જેણે પ્રીતિ કરી,
ઉત્તમ પદ તેને ગયું મળી,
અંધારા પથમાં પ્રકાશ પૂરણ કોણ છે ?
આ જગમાં તારું સાચેસાચું કોણ છે ?
- શ્રી યોગેશ્વરજી