એવા સંતશરણે સદા આવીએ,
જેની રગરગમાં રામ, કામક્રોધનું ન કામ ... એવા.
સત્ય દયા ને પ્રેમથી જેનું ભર્યું શરીર;
તપના તીખા તેજથી નાઠી જેની પીડ.
એને પગલે ચાલીને પીડા ટાળિયે.
એની કરવી પૂજા, એ તો દેવ દૂજા; ... એવા.
જેની નસનસમાં નાદ, ભક્તિ કરુણાનો સાદ ... એવા.
જ્ઞાન દીવડે જેહના નાઠા છે અંધાર,
આતમનો છે જેમણે કર્યો પ્રાપ્ત પરકાશ.
એને તેજે અજ્ઞાન, તમ, ટાળિયે.
એની કરવી પૂજા, એ તો દેવ દૂજા; ... એવા.
રિદ્ધિસિદ્ધિ જેની સાથ, નવનીધિ છે દાસ ... એવા.
વદને સ્મિત છે શોભતું, આંખ અમીની ધાર,
વચન મધુસમા સત્ય છે, અંતર ફૂલ સમાન.
એના સહવાસથી સુવાસ પામિયે,
એની કરવી પૂજા, એ તો દેવ દૂજા; ... એવા.
ન્હાનાં મોટાં જેનાં કામ, ભર્યાં સતથી તમામ ... એવા.
જીવ માત્ર પર પ્રેમ છે, હિતની ચિંતા એક;
નામ રૂપ ભર જગતમાં જુએ એક પરમેશ.
સ્વપ્ને પણ ના માનવો, પ્રભુમાં એમાં ભેદ.
એની ભક્તિથી ભવને સુધારિયે ... એવા.
એની કરવી પૂજા, એ તો દેવ દૂજા ... એવા.
- શ્રી યોગેશ્વરજી