અનુરાગભરી આંખો મુજને આમંત્રણ આપે,
જોતાં વેંત જ સ્વરૂપ મારા અંતરમાં સ્થાપે;
રોમાંચિત કરતાં રસ ધરતાં કલેશ કઠિન કાપે,
મળવા માટે એક થવાને આમંત્રણ આપે....અનુરાગભરી આંખો
રસ છલકંતી અમી ઝરંતી સ્વર્ગસુખ ભરી દે,
જોતાં વેંત જ અંતર તમને આરામ ધરી દે;
મુક્તિની મ્હેફિલવાળી એ અનેક આલાપે
હૃદય બીન પર રમી રહેતી, આમંત્રણ આપે ....અનુરાગભરી આંખો
કંકોત્રી છે કલ્યાણ તણી કૃતાર્થ કરનારી,
કોમળ કરુણાભરી કલાંતિહર કલ્પવૃક્ષવાળી;
જ્યાં જ્યાં ફરે શાંતિ છલકાવે, પ્રસન્નતા સ્થાપે,
મોહિત કરે મહીને મંગલ , આમંત્રણ આપે ....અનુરાગભરી આંખો
અમર રહે એ આંખ મહારા અંતરમાં સાચે,
જોતા વેંત જ પ્રાણ બનીને 'પાગલ'શો સાચે,
અમૃત એનું આ અવનીના અણું અણુંમાં વ્યાપે,
દર્દ શમાવે, તાપ મટાડે, ભેદ સફળ કાપે !... અનુરાગભરી આંખો
- શ્રી યોગેશ્વરજી