ખૂબ સમર્થ મનાઓ,
તમે સમર્થ ખૂબ મનાઓ.
સિદ્ધોના સ્વામી ઈશ્વર ને
તારણહાર ગણાઓ ... તમે
કૃપાનિધાન ખરેખર મોટા,
કૃપા સદ્ય વરસાવો;
પોકારો પ્રેમીનાં સુણતાં
તરત પીગળી જાઓ ... તમે
ઉદાર દિલ છો, પ્રાર્થના સુણી
પ્રેમી પાસે આવો;
જીવ જોખમે વચન પ્રમાણે
રક્ષા કરો, બચાવો ... તમે
દાનેશ્વરી તમારા સમ ના
સિદ્ધિ સૌ વરસાવો;
શરણાગતને સંતોષ ધરો,
સ્વપ્ને ના તલસાવો ... તમે
ચિંતા ને રોદન ભક્તોનાં
ટાળી શાંતિ અપાવો;
'પાગલ' પ્રેમીને તો શાને
ગાળો તેમ તપાવો ? ... તમે
- શ્રી યોગેશ્વરજી