ભાઇ, આ તો ઉત્સવટાણું.
જીવનમંગલ માણવા માટે અવસર આવ્યો અનોખો,
જોજો રહી જાય અંતરમાંહી નાનો કે મોટો ધોખો;
એકલ હોય પ્ર વાસ છતાંયે ગાવું ગૌરવગાણું. ... ભાઇ, આ તો ઉત્સવટાણું.
પ્રારંભથી હતી જાણ પૂરેપૂરી પંથ ગુલાબે ભર્યો ના,
કંટક કેવળ તેમ ના તેમાં, આરામ થાક રહ્યો ના.
તૃષ્ણા તજીને કર્મ કરી લેતાં અશ્રુ આવી જાય શાનું ? ... ભાઇ, આ તો ઉત્સવટાણું.
સંગી ને સાથી નથી મળવાના મિત્રો વળી મમતાળુ,
પોતાનાં માનેલાં પારકાં બનતાં વીંટી વળે છે અંધારું;
નિર્ભર આત્મપ્રકાશે રહીને કાપવી કેડી ચારુ. .... ભાઇ, આ તો ઉત્સવટાણું.
લાખ નિરાશાથકી પણ પામવું આશારશ્મિ રૂપાળું,
વેદના ચિંતા પરાજય અંતે માણવું જયસુખ ન્યારું;
ત્યાં લગ કેમ નખાય નિસાસા, વીરનું જીવન જાણું. ... ભાઇ, આ તો ઉત્સવટાણું.
- શ્રી યોગેશ્વરજી