ચઢાવું બીલીપત્ર ના હું !
કોમળ પર્ણ કુસુમ કાં તોડું, સાજ સજાવું શું !
જ્યાં પ્રકટ્યાં ત્યાં પૂજા કરતાં, બધે વિરાજે તું ! ... ચઢાવું.
કોટિ કમળ શણગારું શાને, સલિલમહીં છે તું;
ભંગ કરીને શોભા તારી સુશોભિત કરું શું ? ... ચઢાવું.
જ્યાં ઉગ્યાં ત્યાં ચઢી ચૂક્યાં છે,ફરી ચઢાવું શું ?
વિમૂઢ મન ના કેમે માને, વ્યર્થ મનાવું શું ? ... ચઢાવું.
તન મન અંતર ત્રણ પત્રોનો અર્પણ પ્રાણ કરું,
પ્રાણે પુનિત પ્રેમ પ્રકટાવો, તે નૈવેદ્ય ધરૂં ! ... ચઢાવું.
- શ્રી યોગેશ્વરજી