તજ્યાં ઘર, તજ્યા અમે મહલ ને વૈભવો,
તજ્યા ભવ સંબંધ, સ્નેહરસનાં બધા બંધનો;
લઇ હૃદયમાં અપાર બસ પ્રેમ તારા પ્રતિ,
અમે વનમહીં કર્યાં ઘર, કરી રણે મહેફિલો !
સહ્યાં સતત તાપ છાંય હસતા મુખે ને અહો,
લઇ હૃદય દાહ રાતદિન ના સૂતાયે અમો;
અપાર ઉર વેદના અમિત આંસુ વચ્ચે સદા,
અસંગ કરતા રહ્યા પ્રણય પ્રેમથી તાહરો !
નથી વિભવ કીર્તિ કે પરમ મુક્તિને ઇચ્છતા.
અપાર વિભવી પ્રતિષ્ઠિત વિમુક્ત સાચે અમે;
નથી વિષય વાસના, વર નથી અમે માગતા,
છતાં ચરણમાં પડેલ સહતા મહા વેદના.
પ્રભો અતુલ શક્તિ દો, પ્રકટ હો અમારી મહીં,
થઇ ભસમ જાય દુઃખ દુનિયા તણાં, વેદના.
- શ્રી યોગેશ્વરજી