Text Size

મનનો લય

પ્રશ્ન : ધ્યાન કરતાં કરતાં સૌથી પ્રથમ મનનો લય થાય છે, અથવા મન સમાધિ દશામાં જાય છે ત્યારે કેટલીક વાર ભય લાગે છે, અને મૃત્યુ તરફ ગતિ થતી હોય એવું જણાય છે, તો તેવે વખતે શું કરવું ?
ઉત્તર : મનનો લય થતી વખતે જો કોઈ કારણે ભય જેવું લાગે તો તેથી ભયભીત બનવું નહિ. મનમાં વિચારવું કે એ ગતિ મૃત્યુ તરફની નથી પરંતુ અમર જીવન તરફની છે. મન સંપૂર્ણ શાંત થઈને સ્વરૂપની પાસે પહોંચી જાય છે. એ વખતે ડરવાનું કારણ ક્યાં છે ? ભય જેવું લાગે તો ભગવાનની પ્રાર્થનાનો આધાર લેવો, અથવા નામસ્મરણ કરવું. તેથી મોટી મદદ મળશે. મોટા ભાગના સાધકોને મનમાં લયની અસામાન્ય અવસ્થાની અનુભૂતિના આરંભમાં ભયની લાગણી થઈ આવે છે. એની પ્રતિક્રિયા એટલી બધી પ્રબળ તેમજ પ્રતિકૂળ પડે છે કે એમનું ચિત્તતંત્ર હાલી જાય છે. એ અનુભવને યાદ કરીને એ સાશંક બને છે, એમનો ઉત્સાહ ઓસરી જાય છે, અને એ ધ્યાનમાં બેસવાનું માંડી વાળે છે. કેટલાક સાધકો ચિત્તભ્રમના શિકાર બની જાય છે. એવા જુદા જુદા ભયસ્થાનોમાંથી બચવા માટે સાધકે નિયમિત રીતે ક્રમેક્રમે અને સમજપૂર્વક ધ્યાન કરવું જોઈએ. ધ્યાનના અંતરંગ અભ્યાસક્રમમાં જેમ જેમ રસ પડે છે અને આનંદ આવે છે તેમ તેમ સર્વ પ્રકારની આશંકા અને ભીતિનો અંત આવે છે. ધ્યાનમાં મન ક્યારે ને ક્યાં કેવી રીતે ડૂબે છે તેની ખબર નથી પડતી. એ ડૂબવાનું ભયજનક નથી લાગતું, પરંતુ શાંતિકારક અને આનંદદાયક લાગે છે.

પ્રશ્ન : ધ્યાનમાં મનનો લય આવશ્યક છે ?
ઉત્તર : આવશ્યક તો છે જ, પરંતુ સાથે સાથે આવકારદાયક છે કારણ કે મનના લય પછી જ આગળના અન્ય અનેક અનુભવોનો માર્ગ મોકળો બને છે.

પ્રશ્ન : મનનો લય આધ્યાત્મિક જીવનનું સર્વકાંઈ છે ?
ઉત્તર : સર્વકાંઈ નથી તો પણ એક અગત્યનું શ્રેયસ્કર સાધન તો છે જ. એનો સ્વીકાર એવી રીતે કરવો જ રહ્યો. આધ્યાત્મિક જીવનનું સર્વકાંઈ તો પરમાત્મા જ છે પરંતુ એમના સાક્ષાત્કાર માટે મનના લયની મદદ મેળવવી પડે છે, એટલા માટે એમનું મહત્વ છે.

પ્રશ્ન : મનના લયની સિદ્ધિ માટે શું કરવું જોઈએ ?
ઉત્તર : મનના લયની સિદ્ધિ માટે જીવનને સદગુણી અથવા સાત્વિક બનાવવાનું અત્યંત આવશ્યક છે. મન જો સદગુણી અથવા સાત્વિક હોય છે તો ધ્યાનમાં સહેલાઈથી એકાગ્ર થાય છે ને લય પામે છે. મનના લયની સિદ્ધિ માટેનું બીજું સાધન ભક્તિભાવપૂર્વક કરવામાં આવતા મંત્રજપ છે. સતત રીતે કરાતા મંત્રજપથી મન ક્રમશઃ શુદ્ધ થાય છે, સ્થિર બને છે, પોતાના આરાધ્યદેવ પ્રત્યેના પ્રેમથી પરિપ્લાવિત બને છે, અને છેવટે લય પામે છે. મનના લયની સિદ્ધિ માટેનું ત્રીજું સાધન સુદીર્ઘ સમય સુધી કરાતું ધ્યાન છે. ધ્યાનના એકધારા અનુરાગપૂર્વકના અભ્યાસથી મન સહેલાઈથી તેમજ વારંવાર લય પામે છે. અને ગુરુની પરમકૃપાનું ચોથું સાધન તો છે જ. સદગુરુની અસાધારણ કૃપા અથવા સહાયતાથી પણ મન શાંત થાય છે, સ્થિરતાને ધારણ કરે છે, લય પામે છે, અને લયાવસ્થાની સિદ્ધિને અનુભવે છે.

પ્રશ્ન : પરમાત્માના સાક્ષાત્કાર માટે ઓછામાં ઓછી સમય મર્યાદા કહી શકશો ?
ઉત્તર : પરમાત્માના સાક્ષાત્કારને માટેની સમય મર્યાદા ચોક્કસપણે કહેવાનું કામ કઠિન છે. પરમાત્માના સાક્ષાત્કાર માટેની સમય મર્યાદાનો આધાર સાધકની ગુણવત્તા અથવા યોગ્યતા પ્રમાણે રહેતો હોય છે. સાધકની જેવી ગતિ તેવી જ પ્રગતિ થાય છે. ઉત્તમ પ્રકારના વૈરાગ્યવાળા, પ્રખર પુરુષાર્થવાળા, તીવ્ર ઈચ્છાવાળા સાધકને એક જ જન્મમાં અને તે પણ વહેલી તકે પરમાત્માના સાક્ષાત્કારનો લાભ મળી રહે છે. એથી ઉલટું જેમનો વિવેક અને વૈરાગ્ય મંદ હોય છે, જેમના મનની મલિનતાનો સંપૂર્ણપણે નાશ થયો નથી અને જેમની પરમાત્માના દર્શનની ઈચ્છા તથા પરમાત્મપરાયણતા અને પુરુષાર્થપરતા મંદ હોય છે તેમને પરમાત્માનો સાક્ષાત્કાર થતાં વિલંબ લાગે છે. એવા સાધકો એક જ જન્મમાં અને વહેલી તકે પરમાત્માની પાસે પહોંચી શકતા નથી. તેમને એક જન્મ પણ ઓછો પડે છે, અથવા અનેક જન્મો ધારણ કરવા પડે છે. ધ્રુવજીને પાંચ જ મહિનામાં પરમાત્માના દર્શનનો લાભ મળી શક્યો કારણ કે તેમની ભાવના અને લગની ઉત્કટ હતી. સાધક પોતાની સાધના કરતાં કરતાં ક્રમે ક્રમે આધ્યાત્મિક વિકાસના માર્ગમાં આગળ વધે છે. એવી રીતે અનેક જન્મોના અંતે ભગવદ્ ભાવ પ્રબળ બનતાં પરમાત્માના દર્શનને માટે અધીરો બને છે. એ અધીરાઈ જેટલી અખંડ અથવા અસાધારણ તેટલી જ પરમાત્માના દર્શનને માટેની સમય મર્યાદા ઓછી થતી જાય છે.

 

Today's Quote

The character of a person is what he or she is when no one is looking.
- Anonymous

prabhu-handwriting