સંસ્કૃતિના સર્વોચ્ચ સુમેરુ શિખર પર
સૈકાઓ પહેલાં આસીન થયેલા મારા દેશ !
તારી જ્વલંત જ્યોતિથી દિશા પ્રદિશા પ્રજ્વલિત બની’તી :
પૃથ્વી પરિમલપ્રસન્ન પાવન બની’તી;
તારી કીર્તિપતાકા ભૂમંડળને પ્રભાવિત કરતી બધે ફરી વળી’તી.
તારું જ્ઞાન, ગૌરવ, તારી ગરિમા, બધું જ અસાધારણ, અજોડ હતું.
અને આજે પણ ક્યાં નથી ?
પરંતુ તારા એ સર્વોત્તમ સિંહાસનને હલાવવા,
તને પીડા-પરિતાપના પારાવાર પ્રતિ બઢાવવા,
માનભંગ કરવા, તારી વિજયકૂચમાં વિઘ્નરૂપ થવા,
આજે કેટલાંક વિઘાતક વિદ્વેષભર્યા બળ કામ કરી રહ્યાં છે.
તારી વેદના-વહ્નિમાં એથી વધારે થયો છે.
છતાં પણ એ બળો સફળ નહિ થઈ શકે.
તું નહિ હારે; તારી આગેકૂચને એ નહિ મારે.
તું જાગ્રત છે અને આવી રીતે જ આથી પણ વધારે જાગ્રત રહેજે,
હે મારા દેશ ! મને વિશ્વાસ છે-તું નહિ હારે,
તારી વિકાસસાધના કીર્તિકૂચ મૂકીને નહિ હારે.
- શ્રી યોગેશ્વરજી