તમારા સુમધુર નામનો સ્વાદ જેને મળી જાય છે
તેને મધ કે અમૃતની શી પરવા ?
તમારા મનમોહન નામનો રસ જેને મળી જાય
તેને દૂધ કે સાકરની શી પરવા ?
તમારા ત્રિભુવનસુંદર રૂપનો ગુણમહિમા જેણે જાણી લીધો છે
તેને ત્રિભુવનના બીજાં સુંદર રૂપની શી પરવા ?
તમારી શ્રવણમધુર સ્તુતિનું સંગીત જેણે સારી પેઠે સાંભળ્યું છે
તેને સંસારની બીજી સ્તુતિ કે ગીત-કવિતાની શી પરવા ?
તમારા પ્રેમનો પરમ વૈભવ જેને મળી ગયો
તેને બ્રહ્માંડના બીજા વિનાશી વૈભવની શી પરવા ?
તમારી કૃપાનો અનંત નિધિ જેને મળી ગયો
તેને બીજા નશ્વર નિધિની શી પરવા ?
તમારા સુંદરતમ સ્વરૂપને જેણે જોઈ લીધું
તેને બીજાં સુંદર ગણાતાં દર્શનની શી પરવા ?
તમારો ચંદનશીતલ, સુમન સુવાસિત સ્પર્શ જેણે મેળવી લીધો
તેને બીજા સમાગમ કે સ્પર્શની શી પરવા ?
- શ્રી યોગેશ્વરજી