અંતરના અનુરાગ ભરેલાં,
ગીત ગૌરવે બધાં મઢેલાં,
સ્નેહ સુવાસે છેક છલેલાં,
અર્પું છું તમને !
અમૃતમય ને જીવનધન છે,
પ્રાણ ખરેખર મારે મન છે;
તમારી જ પૂજાનાં ફળ છે,
અર્પું છું તમને !
એક તમારે કાજે પ્રકટ્યાં,
મોહાઈ ક્યાંયે ના અટક્યાં;
તમારાં જ ચરણોમાં હરખ્યાં,
અર્પું છું તમને !
પૂજાની સામગ્રી સારી,
ભલે ન હો કવિતા કૈં ન્યારી;
ભાવભરી ભાષા છે ભારી,
અર્પું છું તમને !
બદલામાં શું તમે આપશો ?
કૃપા કરીને કષ્ટ કાપશો ?
સદાકાજ સહવાસ આપશો,
દર્શન આપીને ?
‘પાગલ’ કરે પ્રાર્થના આજે,
શિશુને તો સુખ ધરવું છાજે;
આવો અમીભરેલ અવાજે,
અંતર એ જાચે.
- © શ્રી યોગેશ્વરજી