આજ તો પ્રભાતથી હું આશ કરી આવ્યો,
મંગલ મંદિરમહીં આશ કરી આવ્યો ! ... આજ તો.
શ્રદ્ધાની જ્યોતને જગાવીને આંખમાં,
પ્રેમપ્રેરણા ભરીને પ્રાણતણી પાંખમાં,
વહેલી સવારથી જ આશ કરી આવ્યો ! ... આજ તો.
ફોરમ આ ફૂલડાંની ફોરી રહી છે,
વેદના છતાંય મને કોરી રહી છે;
ફોરમ તમારી મધુ પામવાને આવ્યો ! ... આજ તો.
દર્શનનું દાન મને આપી દો આજે,
કરુણાની ધાર કરો મુક્ત મારે કાજે;
તનમનને પ્રેમમાં પખાળવાને આવ્યો ! ... આજ તો.
જોજો બૂઝાય જ્યોત મારી જરી ના,
સુખની આ સૃષ્ટિને લેશો હરી ના;
તાજી કુસુમકળી જેવો છું આવ્યો ! ... આજ તો.
વખણાયે ઉરની ઉદારતા તમારી,
ટાળી દેજો જરૂર દીનતા તો મારી;
નિર્ધન ધની થવાની આશાથી આવ્યો ! ... આજ તો.
રસથી ભરેલું રૂપ જોવું તમારું,
સુંદર સ્વરૂપ સારી સૃષ્ટિથી ન્યારું;
યુગયુગની પ્યાસ એ શમાવવાને આવ્યો ! ... આજ તો.
‘પાગલ’ કે’ દર્શન દો, હૈયે લગાવો;
શણગારે મારા શરીરને સજાવો;
અંતરનો અગ્નિ બુઝાવવાને આવ્યો ! ... આજ તો.
- © શ્રી યોગેશ્વરજી