Text Size

નામસ્મરણ

કલિયુગ કૂડો અને રંગે રૂડો છે. એમાં દોષો, દૂષણો, આકર્ષણો, પ્રલોભનો, પીડાઓ, પરિતાપો, ભયસ્થાનોનો પાર નથી.

એમાંય જીવન અલ્પ, અતિશય અલ્પ, અને એ પણ વાયુ વેગે વહી જનારું છે. પાણીના પ્રમત્ત પ્રમાથિ પ્રવાહની પેઠે પ્રબળવેગે પ્રવાહિત થનારું છે. એનો અધિકાંશ ભાગ શૈશવાવસ્થાની ક્રીડામાં, યુવાવસ્થાના મોહમાં, વૃદ્ધાવસ્થાની દીનહીન અસહાય અવસ્થામાં, વિપત્તિ-વ્યાધિ-વેદનામાં વીતી જાય છે. એટલે જેને જીવન, જાગૃતિપૂર્વકનું, સમજ સાથેનું, જીવન કહીએ એવું જીવન અતિશય અલ્પ-સ્વલ્પ છે.

એવા જીવનમાં આત્મકલ્યાણનું કયું સાધન કરી શકાય ? ભગવાનના નામસ્મરણનું. નામસ્મરણનું સાધન સરળ, સીધું, સારવાહી, અત્યંત અસરકારક, આશીર્વાદરૂપ અને અમોઘ છે, સર્વે સાધનોના સારરૂપ છે. શાસ્ત્રો જણાવે છે કે સત્યયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞયાગથી, દ્વાપરમાં સેવા અને આરાધનાથી ઈશ્વરપ્રાપ્તિ થઈ શકતી ને જીવનનું પરમ સાર્થક્ય સધાતું, પરંતુ કલિયુગમાં તો ભગવાનના નામસ્મરણ કે નામસંકીર્તનથી એ હેતુની સિદ્ધિ થાય છે. કલિયુગમાં કેવળ નામનો જ આધાર છે, બીજી કોઈ જ ગતિ નથી, શક્તિ કે સાધનસામગ્રી નથી. કલિયુગ જેવો સ્વલ્પ સાધને મહાન ફળ આપનારો, ઓછી મૂડીએ મોટો નફો કરાવનારો બીજો કલ્યાણકારક યુગ નથી. એ દરમિયાન ભગવાનના નામનો ગુણાનુવાદ કરવાથી સંસારને અનાયાસે પાર કરી શકાય છે.

નામના સ્મરણની સાથે ઈશ્વરના શરણની સદ્દભાવના સંકળાયેલી છે. એમાં પરમેશ્વરની પતિતપાવન પ્રીતિનો પારાવાર પડેલો છે. શ્રદ્ધા-ભક્તિની સુંદર શાંતિમયી સુધાપ્રદાયિની સરવાણી સમાયેલી છે. સ્મરણની સાથે એકાગ્રતા આવે છે, આનંદ અનુભવાય છે, પરમાત્માની પરાત્પર ચેતના સાથે સંબંધ બંધાય છે, અનુસંધાન સધાય છે.

નામસ્મરણ એકાગ્રતા સહિત કરાય કે એકાગ્રતા સિવાય કરવામાં આવે, સમજીને થાય કે સમજ્યા વિના થાય, રસપૂર્વક કરવામાં આવે કે રસ વિના, ભાવે કે કભાવે કરાય તો પણ નિરર્થક નથી થતું, નિષ્ફળ નથી જતું, શ્રેયસ્કર ઠરે છે. સ્મરણ કરતાં કરતાં કાળાંતરે રસ જાગે છે, જ્ઞાન પ્રગટે છે, ભાવ જન્મે છે, એકાગ્રતા અનુભવાય છે, પ્રેમ પ્રબળ બને છે, અને એવા અન્ય અનેક લાભ થાય છે. માટે બીજાં સાધનોની ચિંતા તથા ભ્રમણામાં પડ્યા વિના નામસ્મરણ કરતા રહેવું.

ભક્તિનું રહસ્ય

આપણે ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ અને ભગવાનની ભક્તિ કરીએ છીએ એની સાથે આપણી જવાબદારી, આપણું ઉત્તરદાયીત્વ વધે છે. આપણે અમુક માર્ગે જ આગળ વધવું જોઈએ અને અમુક માર્ગે આગળ ના વધવું જોઈએ, અમુક જાતનું જીવન જીવવું જોઈએ અને અમુક જાતનું જીવન ના જીવવું જોઈએ, એવી અપેક્ષા રાખવામાં આવે છે. એવી અપેક્ષા આપણો અંતરાત્મા અને આપણી આસપાસનો સમાજ બંને રાખે છે. કોઈવાર એ અપેક્ષાને આપણે સંતોષી શકીએ છીએ તો કોઈવાર નથી સંતોષી શકતા. એના પરિણામે જો સમજુ હોઈએ તો અસંતોષ અનુભવાય છે.

આપણે ભક્ત તરીકે તિલક કરીએ, કંઠી બાંધીએ, માળા જપીએ, સ્તોત્રપાઠ કરીએ, દેવદર્શન તીર્થાટન કે ધર્મગ્રંથોનો આધાર લઈએ એટલું જ પૂરતું નથી. આપણે શુદ્ધ બનતાં, સદાચારી તથા સત્કર્મપરાયણ થતાં, અને સંવેદનશીલ બનતાં શીખવાનું છે. સંસારમાં આપણા પરમારાધ્ય પરમાત્માના દૈવી સ્વરૂપની ઝાંખી કરીને સૌને સુખશાંતિ પહોંચાડવા તથા ઉપયોગી થવા તૈયાર રહેવાનું છે. ભૂલેચૂકે પણ કોઈનું કૂડું તો ના જ કરાય, કોઈનું શોષણ તો ના જ થાય, કોઈને અન્યાય, અનીતિ, અનાચારના શિકાર ના બનાવાય, તેનું ધ્યાન રાખવાનું છે. ભક્ત બનવું એનો અર્થ માનવ મટી જવું એવો નથી થતો પરંતુ આદર્શ માનવ બનવું એવો થાય છે. એ યાદ રાખીને આદર્શ માનવ બનવાની દિશામાં દિનપ્રતિદિન ચોક્કસ ચાલે આગળ વધવાનું છે.

ભક્ત પોતાની જાતને બે પ્રશ્ન જરૂર પૂછે : ભગવાનને શું ગમશે અને ભગવાનને શું નહિ ગમે ? તો એનો જીવનપથ, સાધનાપથ સરળ બની જશે, ભ્રાંતિરહિત થશે. ભગવાનને ચોરી, હિંસા, અનૃત, વ્યભિચાર, છળકપટ, શોષણ, દુરાચાર નહિ ગમે, તો પછી એમનો આધાર ભુલેચૂકે પણ ના લેવાય. એમાંથી પાછા વળવાની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. ભગવાનને સદ્દગુણો, સદ્દવિચારો, સત્કર્મો ગમશે, દાન ગમશે, સેવા ગમશે, સંયમ તથા પવિત્રતા પસંદ પડશે, તો પછી એમનો આધાર લેવો જોઈએ. એથી ભક્તને પોતાને ને બીજા બધાને લાભ પહોંચશે. એવી ભક્તિ સુખકારક, શાંતિદાયક, સંતોષપ્રદ, આશીર્વાદરૂપ બનશે.

આપણા એક ભક્તકવિએ ભક્તિના એવા જીવનોપયોગી રહસ્યને વર્ણવતાં પોતાની સરળ છતાં રસમય ભાષામાં લખ્યું છે:

હરિજન હોય તેણે હેત ઘણું રાખવું,
નિજ નામ ગ્રાહી નિર્માત રહેવું;
ત્રિવિધના તાપ તે જાપ જરણા કરી,
પરહરિ પાપ રામનામ લેવું.

સૌને સરસ કહેવું, પોતાને નરસ થવું,
આપ આધિન થઈ દાન દેવું.
મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી,
દાતા ભોક્તા હરિ એમ રહેવું.

અડગ નવ ડોલવું, અધિક નવ બોલવું,
ખોલવી ગૂજ તે પાત્ર ખોળી;
દીન વચન દાખવું, ગંભીર મતું રાખવું,
વિવેકીને વાત નવ કરવી પહોળી.

અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું,
રાખવી ભક્તિ તે રાંક દાવે,
ભક્ત ભોજો કહે ગુરુપરતાપથી
ત્રિવિધના તાપ ત્યાં નિકટ ના’વે.

એનો સૂચિતાર્થ સ્પષ્ટ છે. ભગવાનની ભક્તિથી શું નથી થતું અથવા શું નથી મળતું ? ભક્તિરૂપી કામધેનુના સેવનથી સઘળા શુભ હેતુ સિદ્ધ થાય છે, આ લોક અને પરલોકનો એવો કોઈ પદાર્થ નથી જેની પ્રાપ્તિ ભક્તિ દ્વારા ના થાય. એને માટે કેવળ ભક્તની ઈચ્છા હોવી જોઈએ. ભક્તિ ભક્તને નિર્વાસનિક કે ઈચ્છારહિત પણ બનાવે છે. આત્મજ્ઞાન આપે છે, વૈરાગ્યને જગાવે છે ને વધારે છે, મનને સ્થિર અથવા એકાગ્ર કરે છે, સમાધિ બક્ષે છે, જુદી જુદી સિદ્ધિઓ પ્રદાન કરે છે, ને ભગવાનના દૈવી દર્શનનો દેવદુર્લભ લાભ આપીને જીવનને પ્રસન્ન, પ્રશાંત, પરમ પવિત્ર, પૂર્ણ, મુક્ત ને કૃતાર્થ કરે છે.

જેણે ભક્તિની સર્વશ્રેયસ્કર સર્વોપરી સાધનાનો સમાશ્રય લીધો એને અન્ય એકે સાધનાનો આધાર નથી લેવો પડતો. ભક્તિની એક જ સાધના જીવનના આત્મિક અભ્યુત્થાનને માટે પર્યાપ્ત થઈ પડે છે. હાથીના પગલામાં સઘળાં પગલાં સમાઈ જાય છે सर्वे पदं हस्तिपदे निमरनम् એ ઉક્તિની જેમ, ભક્તિની સર્વસારગર્ભિત સાધનામાં બીજી બધી જ મહત્વની સાધનાઓ સમાઈ જાય છે.

ભક્તિરૂપી કામધેનુનું સેવન સર્વકાળે સર્વપ્રકારે સૌને સારુ શ્રેયસ્કર ઠરે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

We are not human beings on a spiritual journey, We are spiritual beings on a human journey.
- Stephen Covey