Text Size

સાચું ધર્માચરણ

સંસારમાં કાંઈ એક પ્રકારના માણસો છે ? એમાં જુદી જુદી જાતના માણસો મળી આવે છે. આ તો એક વિશાળ, વિવિધરંગી બગીચો છે, અને એમાં અનેક પ્રકારનાં વૃક્ષો, ફળ તથા ફૂલો છે. માણસોની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. કોઈને ધર્મ, ઈશ્વર કે આધ્યાત્મિકતાની વાતો ગમે છે તો કોઈને તેની સૂગ ચઢે છે. તેવા બીજી શ્રેણીના માણસો વારંવાર પૂછે છે પણ ખરા કે અત્યારે આપણા દેશને શાની જરૂર છે ? સેવાની, સંપની, સહકારની, સ્વાર્થત્યાગની, શાંતિની, સમૃદ્ધિની કે ધર્મ અથવા આધ્યાત્મિકતાની ?

એવા માણસોને હું કહીશ કે બંનેની. આપણા દેશને બંનેની જરૂર છે. કોઈ પણ દેશ સેવા, સંપ, સહકાર, સ્વાર્થત્યાગ કે શાંતિ વિના આગળ નથી વધી શકતો, અને એ દેશની પ્રજા સમૃદ્ધિ, શક્તિશાળી કે સુખી પણ નથી થઈ શકતી. આપણા લોકનેતાઓએ આપણને એ ગુણો તથા વિશેષતાઓ કેળવવા માટે અવારનવાર સૂચનાઓ પૂરા પાડી છે, પરંતુ એ સૂચનાઓનો પૂરેપૂરો આમલ આપણે ત્યાં હજુ પૂરેપૂરો નથી થઈ શક્યો એ એક કટુ છતાં સાચી હકીકત છે. જેમની મારફત એ વિશેષતાઓના વ્યાપક પ્રસારની આશા રાખવાની આવતી હતી તે નેતાઓ જ સત્તા તથા શ્રી ને સંપત્તિની હોડમાં પડ્યા છે. પછી સામાન્ય પ્રજાજનનું તો કહેવું જ શું ? આવે વખતે ધર્મ અથવા તો આધ્યાત્મિકતાની સાચી સમજણ આપણને મદદરૂપ થઈ પડશે. એની મદદથી જીવન ઉત્તરોત્તર નિર્મળ બનશે, ને જે જડતા તથા ઝેરી તત્વો જીવનમાં જડ ઘાલીને બેસી ગયા હશે તે પણ ધીમે ધીમે ને તદ્દન નિર્મળ થશે. એટલે કે ધર્મ અથવા આધ્યાત્મિકતા છેવટે વિશાળતા, ઉદારતા, સેવા, સંપ, સહકાર, સ્વાર્થત્યાગ તથા શાંતિ તરફ લઈ જશે. એ દ્રષ્ટિએ જોતાં એની કિંમત વધી જાય છે, ને જીવનને માટે એ ઉપયોગી પૂરવાર થાય છે.

ધર્મ અથવા આધ્યાત્મિકતા માનવમનનું મેરુદંડ છે. એના સિવાયની સેવા તથા બીજી લૌકિક પ્રવૃત્તિઓ મોહ ઉત્પન્ન કરનારી, મમત્વ જગાડનારી, આસક્તિથી આવૃત્ત કરનારી, કે રાગદ્વેષવાળી થવાનો પૂરતો સંભવ રહે છે. આજે દેખાય છે પણ એવું. મૂક સેવકો તથા સામાન્ય માણસોના મોટા ભાગના વર્ગનું નિરીક્ષણ કરતાં એ વાતને પુષ્ટિ મળે છે. ધર્મ અથવા આધ્યાત્મિકતાની ભાવનાવાળો માણસ કર્મ કરવા છતાં એની બૂરાઈઓ કે બદીઓથી મુક્ત રહી શકશે, અને એવી રીતે એના કર્મો એને માટે તથા બીજાને સારુ આશીર્વાદરૂપ ઠરશે. એ હંમેશા ઈશ્વરથી ડરીને, નીતિ ને સદાચારની મર્યાદાને આવશ્યક ગણીને, કામ કરશે. અને એના પરિણામે સમાજને મોટી મદદ મળશે. આપણા જાહેર જીવનમાં જે નાની મોટી બદીઓ છે તે ધર્મના સાચા આચરણથી એવી રીતે દૂર થઈ શકે તેમ છે, અથવા ધર્મનું સાચું આચરણ આપણી આજુબાજુની અસમાનતા તથા દીનતા, નિરક્ષરતા, અછત, સ્પર્ધા, તૃષ્ણા તેમજ અશાંતિનો પણ અંત આણીને એક સુખી સંવાદી, શાંત સમાજની રચનામાં પોતાનો ફાળો આપી શકે તેમ છે. એનું કર્તવ્યક્ષેત્ર એવી રીતે ધાર્યા કરતાં ઘણું મોટું છે. એથી માનવમનની અને એ દ્વારા સમસ્ત સમાજની કાયાપલટ કરી શકાય તેમ છે.

અત્યારે આપણે ત્યાં જે ધર્મચરણ થાય છે એથી માનવની પોતાની તથા સમાજની કાયાપલટ થાય છે કે નહિ, અને થાય છે તો કેટલા પ્રમાણમાં થાય છે, એ પ્રશ્ન જુદો છે. જે ધર્મનું પાલન આપણે ત્યાં થાય છે તે ધર્મ મોટેભાગે મંદિરો, મસ્જિદો, ગિરજાઘરો, સત્સંગો, કથાકીર્તનો; કે જપ તથા યજ્ઞ જેવી બાહ્ય ક્રિયાઓ પૂરતો જ મર્યાદિત રહેતો હોય, અને જો એનો આધાર લઈને માણસ સુધરવાની ને જીવનને શક્તિશાળી કે સાત્વિક કરવાની કોશિશ ના કરતો હોય તો એવા ધર્મપાલનથી ધારેલો હેતુ નહિ સરી શકે. એ ધર્મપાલન કેવળ ઉપર ઉપરનું, દેખાવ પૂરતું ને જડ રહેશે. એવા ધર્મપાલનને આપણે સાચું ધર્મપાલન નથી કહેતા. સાચું ધર્મપાલન તો એ છે જે માનવને પોતાનો માનવ તરીકેનો ધર્મ શીખવે છે, પોતાના ઘર તરફના, પાડોશી પ્રત્યેના, સમાજ પ્રત્યેના, દેશ પ્રત્યેના તથા છેવટે ઈશ્વર પ્રત્યેના કર્તવ્યનો સંદેશ પૂરો પાડે છે, અને એનો અમલ કરવાની તાકાત આપે છે. એવું ધર્માચરણ જ વ્યક્તિ તથા સમષ્ટિને માટે મંગલમય બની શકે. આપણે ત્યાં ધર્માચરણ થાય છે, પરંતુ એની દ્વારા વિવેકની પ્રાપ્તિ નથી થતી, માનવતા નથી જાગતી, કર્તવ્યની દીક્ષા તથા નિષ્ઠા નથી મળતી, અથવા મળે છે તો પણ અત્યંત ઓછા પ્રમાણમાં, એટલે એની મારફત ધારેલો લાભ નથી થતો, પરિણામે દોષનો ટોપલો ધર્મ અને ધર્મચારણ પર નાખી દેવાય છે. પરંતુ દોષ માનવની પદ્ધતિનો, વૃત્તિનો તથા ઓછી કે અધૂરી સમજનો છે. એ વૃત્તિ ને પદ્ધતિને પલટાવવામાં આવે તો ધર્મચરણ ઘણું ઉપયોગી બની શકે. તેની દ્વારા માનવ ને માનવસમાજની બધી જ બદીઓ દૂર થઈ શકે, એમાં લેશ માત્ર પણ સંદેહ નથી કરવા જેવો.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The happiest people don't necessarily have the best of everything. They just make the best of everything.
- Anonymous