Thursday, February 09, 2012
   
Text Size

દક્ષ પ્રજાપતિની કથા

દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા જાણીતી છે. આપણે એને અનેક વાર સાંભળી છે, વાંચી છે. શ્રીમદ્દ ભાગવતના ચતુર્થ સ્કંઘમાં એને વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવી છે. દક્ષ પ્રજાપતિએ કરેલા મહાયજ્ઞમાં બીજા બધાં જ દેવતાઓનો યજ્ઞભાગ રાખવામાં આવેલો. બીજા બધાના આદરણીય આસનો રખાયેલા, પરંતુ પોતાના સ્વજન જેવા સર્વેશ્વર સૃષ્ટિના પરમારાધ્ય ભગવાન શંકરની અવજ્ઞા કરાયેલી. એમને માટે એક પણ આસન નહોતું રખાયું. સતીથી એ કરુણ અવહેલનાયુક્ત પરિસ્થિતિ સહન ના થઈ. દક્ષ પ્રજાપતિ દ્વારા પ્રાપ્ત શરીરને સાચવીને જીવનનો આનંદ અનુભવવા કરતાં મૃત્યુને ભેટવાનું એને વધારે સારું, શ્રેયસ્કર લાગ્યું. એણે યોગાગ્નિ દ્વારા પોતાના પાર્થવતનુને ત્યાગી દીધું ત્યારે મંડપમાં હાહાકાર થઈ રહ્યો. ભગવાન શંકરે મોકલેલા વીરભદ્રે તથા અન્ય પાર્ષદોએ યજ્ઞમંડપનો નાશ કર્યો. યજ્ઞ અધૂરો રહ્યો.

એક સદ્દગૃહસ્થ એકવાર મને એમના મકાનમાં લઈ ગયાં. મકાન એમણે તાજેતરમાં જ ને નવું જ બનાવેલું. મને એના વિવિધ ખંડોમાં ફેરવતાં એમણે કહેવા માંડ્યું, આ મકાન ઈશ્વરની કૃપાથી થયું. આ મારો રૂમ. આ મારી પત્નીનો. આ મારા છોકરાનો, આ બાજુનો મારી છોકરીનો. આ કોઠાર ને રસોડાનો, અને આ રૂમ અતિથિ અભ્યાગતનો, તમારા જેવા માનનીય મહેમાનોનો રૂમ. આ આગળનો ડ્રોઇંગ રૂમ. મુલાકાતીઓનો સ્પેશિયલ રૂમ. કેમ ! મારું મકાન કેવું લાગ્યું? તમને એની ગોઠવણ ગમી ?

મેં કહ્યું, ગમી તો ખરી. અને ના ગમે તો પણ શું ? મકાન તમારું છે એટલે તમને યોગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા કરી શકો. મારે તો માત્ર એટલું જ જાણવું છે કે આ મકાનમાં બીજા બધાના રૂમ છે, અમારા જેવા માનનીય મહેમાનોનું ને મુલાકાતીઓનું પણ તમે ધ્યાન રાખ્યું છે, પણ કોઈ રૂમ ઈશ્વરને માટે, ધર્માનુષ્ઠાન, સત્સંગ, જપ-તપ-ધ્યાન-સ્વાધ્યાય કે પૂજા-પાઠને માટે રાખ્યો છે ? જેની કૃપાથી આ મકાન મળ્યું એ ઈશ્વરને માટે, સર્વેશ્વરને માટે કોઈ રૂમ જ નહીં ? એ ભાઈ વિચારમાં પડ્યા ને બોલ્યા : ઈશ્વરનો તો સારો સંસાર છે, મારું આખું મકાન એમનું જ છે. મેં પૂછ્યું કે એ રહેવા આવે તો તમે તમારું મકાન ખાલી કરી આપો ખરા ? એમણે તરત જ જણાવ્યું કે એમને રહેવાની ક્યાં કમી છે ? આખું બ્રહ્માંડ એમનું જ છે.

જીવનના મકાનમાં, જીવનના મંગલમય મહાયજ્ઞમાં, દક્ષ પ્રજાપતિની અને પેલા સન્માનનીય સદ્દગૃહસ્થની જેમ, આપણે બીજા બધાને આસન આપીએ છીએ, બીજા બધાનો ભાગ નક્કી કરીએ છીએ, પતિનો, પત્નીનો, પુત્રપરિવારનો, મિત્રોનો સૌનો- પરંતુ જે આપણાં પ્રાણની પણ પાસે છે, આત્માના અધિશ્વર છે, જેમના પર જીવનનો ને સુખ-શાંતિનો આધાર છે, તે ભગવાનનો ભાગ રાખીએ છીએ ખરા ? એ પરમ પ્રેમમય પરમાત્માને યાદ કરીને જીવનમાં, આપણાં અંતરમાં, એમનું સન્માનનીય સ્થાન સુરક્ષિત રાખીએ છીએ ખરા ? જીવનમાં, આપણાં અંતરમાં એમનું આસન પણ જોઈએ. એમની પ્રીતિ, મમતા, આસક્તિ હોવી જોઈએ. જીવનના યજ્ઞમાં બીજું બધું જ હોય પરંતુ એમનો અનુરાગ ના હોય, તો દક્ષ પ્રજાપતિના યજ્ઞની જેમ એ યજ્ઞની કિંમત પણ કશી ના રહે. એ યજ્ઞ આપણું શ્રેય ના સાઘી શકે. દક્ષ પ્રજાપતિની યજ્ઞકથા એ સંદેશ પૂરો પાડે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Keep your face to the sunshine, and you cannot see the shadow.
- Helen Keller 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 14 guests online

View site in