Saturday, February 11, 2012
   
Text Size

સંધ્યાકાળ

સંધ્યાનો સમય કેવો અદ્ ભૂત હોય છે ? સૂર્ય ધીમેધીમે અસ્ત થાય છે, પ્રકાશનાં કિરણો શનૈઃ શનૈઃ સંકેલાઈ જાય છે, અંધકારના ઓળા આજુબાજુથી બધે જ ઊતરી પડે છે, અને જોતજોતામાં અંધકાર ફરી વળે છે. અંધકારનો પડદો પડે છે ને થોડીક વારમાં આવે છે તપશ્ચર્યાથી તેજસ્વી બનેલા તારાસમૂહો અને એમની સાથે ચારુતાની મનોહર મૂર્તિ જેવો ચંદ્ર. કુદરતનો સૂર્યાસ્ત અથવા સંધ્યા સમય એવો અવનવો બને છે.

જીવનનો સંધ્યાકાળ પણ એવી જ રીતે ચોક્કસપણે આવી પહોંચે છે. યૌવનની કળા કરમાય છે, સમગ્ર શક્તિ ઘસાય છે, સૌંદર્યની છટા શાંત થવા લાગે છે. ઈન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પહેલાંની પેઠે પ્રબળપણે પ્રવૃત્તિ નથી કરી શકતી.

આદ્ય શંકરાચાર્યે એનું સુરેખ રેખાચિત્ર દોરતાં પોતાના સુંદર સ્તોત્રમાં ગાયું છે કે,
અંગં ગલિતં, પલિતં મુંડં, દશનવિહીન જાતં તુંડમ,
વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડં, તદપિ ન મુંચતિ આશાપિંડમ્.
અર્થાત
અંગ ગળી ગયું, પળિયાં આવ્યાં, મોઢું થયું દાતવિહોણું;
વૃદ્ધ ચાલતો લઈ લાકડી તોય છોડતો આશા નહીં.

જીવનનો એવો સંધ્યાકાળ સૌ કોઈના જીવનમાં જોવા મળવાનો. શરીરધારીને એનો અનુભવ સહજ રીતે જ થવાનો. એ આવે એનો વાંધો નથી, પરંતુ એ વખતે અથવા એની પહેલાં જે પૂર્વતૈયારી કરવી જોઈએ એ કરવાની આવશ્યકતા છે. એ વખતે અનેક પ્રકારની નાનીમોટી આશાઓ મનમાં મહાલતી હોય, વિવિધ વાસનાઓ, લાલસાઓ, તૃષ્ણાઓ તાંડવ-નૃત્ય કરતી હોય, અંતઃકરણમાં અસંતોષની અગ્નિજ્વાળા સળગતી હોય, બુદ્ધિ કિંકર્તવ્યમૂઢ, મલિન, પથભ્રાંત તથા વિપથગામી હોય, તો એવા કાળને જીવનનો આદર્શ, અભિનંદનીય, આવકારદાયક, કે આશીર્વાદરૂપ અંતઃકાળ ના કહેવાય.

સંધ્યા-સમય શાશ્વત નથી હોતો. એ પછી અવકાશમાં સર્વત્ર અંધકારના ઓળાઓ ઊતરી પડે છે અને કાળનાં સ્મૃતિચિહ્નનો પડે છે. જીવનનો સંધ્યા-સમય પણ એ જ પ્રમાણે અશાશ્વત અથવા ક્ષણજીવી હોય છે. યાવચ્ચંદ્રદિવાકરૌ નથી રહેતો. એની પછી જીવાતા જીવન પર કાળનો કામચલાઉ પડદો પડી જાય છે. વર્તમાન અભિનય પરિસમાપ્ત થાય તે પહેલાં એવી તૈયારી કરવી જોઈએ કે કશી ફરિયાદ ના રહે, અફસોસ અથવા વસવસો ના રહે, દ્વેષ કે ડંખ ના રહે, ક્યાંય મમત્વ, રાગ અથવા આસક્તિ ના રહે. અંતરમાં, અણુએ અણુમાં ઊંડો આત્મસંતોષ રહે. ચિત્તમાં ચંદ્રની ચારુતા જેવી ચારુતા કે પ્રસન્નતા ફરી વળે. સમસ્ત પ્રકૃતિ આત્મા સાથે મંગલ મહોત્સવ કરે. સાર્થકતાનો શ્વાસ ભરે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 19 guests online

View site in