Friday, February 10, 2012
   
Text Size

શાંતિનો વ્યવહારુ અભિગમ

જીવનમાં અશાંતિ છે. અનેક આત્માઓ અશાંતિ અનુભવે છે. કિન્તુ એનું કારણ એક છે ? શાંતિની ઈચ્છાથી આવનારા સૌ કોઈને આપણે એવું કહીશું કે પરમાત્માની પ્રાપ્તિ કરો, પરમાત્માને પ્રેમ કરો અને ઓળખો, જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નહિ કરો ત્યાં સુધી શાંતિ નહિ મળે ? ના. એ પ્રકારનો સર્વસામાન્ય અને અવ્યવહારુ, અથવા ઉડાઉ ઉત્તર આપવાનું ઉચિત નહીં લેખાય. પરમાત્માની પ્રાપ્તિ કરવાથી કે કરવાનો પ્રામાણિક, એકનિષ્ઠ, શ્રદ્ધા-ભક્તિપૂર્વકનો પુરૂષાર્થ કરવાથી, ગમે તેવા સંજોગોમાં - અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનને સ્વસ્થ, સંયમી, સાત્વિક, શાંત રાખવાની શક્તિ સાંપડશે. સમત્વથી સંપન્ન બનાશે. પરંતુ સદાને સારુ સર્વવિધ શાંતિ સાંપડશે એવું માનવું, મનાવવું વધારે પડતું છે.

જીવનમાં અશાંતિ છે એ સાચું છે તેમ એ પણ એટલું જ સાચું છે કે એ અશાંતિનાં કારણો જુદાં જુદાં છે. પ્રત્યેક વ્યક્તિની સમસ્યાઓ જુદી જુદી હોય છે. શાંતિને માટેની આવશ્યકતાઓ પણ અલગ હોય છે. એ સમસ્યાઓમાં ભૌતિક, શારીરિક, માનસિક, સાંસારિક, આત્મિક સમસ્યાઓનો સમાવેશ પણ થઈ જાય છે. અશાંતિ જેને લીધે પેદા થઈ હોય કે બનતી હોય, એ સમસ્યાને અવગણવાને બદલે એ વિશે શાંતિ અને સહાનુભૂતિપૂર્વક વિચારવાથી અશાંતિ મટી શકે છે. એ સીધાસાદા સત્યને જેટલી વહેલી તકે સમજી લઈએ એટલું જ હિતાવહ થઈ પડશે. સંક્ષેપમાં કહીએ તો કહી શકાય કે આપણી આગળની અનેકવિધ સમસ્યાઓની સહાનુભૂતિપૂર્વકની વિચારણા અને એમના ઉકેલ માટેના પ્રયત્નો આવશ્યક, આવકારદાયક, અભિનંદનીય છે.

પરમાત્માને ઓળખવાની અભિલાષા જેને તેને નથી હોતી. પરમાત્માને પામવાની પિપાસા કોઈકના જ જીવનમાં પેદા થાય છે. એવા આત્માને પરમાત્માને માર્ગે વળવા દો. પરમાત્માના પંથે સાધનાત્મક પ્રયાણ કરવા દો. એના સિવાય એને શાંતિ નહીં મળે. બાકી આપણી આજુબાજુના અધિકાંશ અશાંત આત્માઓની શાંતિ માટે તો એમની અશાંતિના કારણને શોધી કાઢીને કે સમજી જઈને વ્યવહારુ અભિગમ અપનાવાય એ જ બરાબર છે. આપણે વ્યવહારુ બનીએ તો કેટલીયે મુસીબતોમાંથી સહેલાઈથી મુક્તિ મેળવીએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 16 guests online

View site in