Saturday, February 11, 2012
   
Text Size

વદનં પ્રસાદ સદનમ્

કેટલું સરસ વાક્ય છે ! કોઈક પાવન પળે, ધન્ય ક્ષણે, કોઈક સ્વાનુભવસંપન્ન સત્પુરૂષ દ્વારા એનું સર્જન થયું છે. વદન કેવું છે તો કહે છે કે પ્રસાદનું સદન. પ્રસાદ એટલે પ્રસન્નતા. જેનું મુખમંડળ સદાય પ્રસન્ન કે પુલકિત હોય છે તે ધન્ય બને છે ને ધન્ય કરે છે. તે જ્યાં વસે છે ને વિચરે છે ત્યાં ઉત્સવ કરે છે. ઘરમાં ને ઘરની બહાર આનંદ અનુભવે છે અને આનંદ અર્પે છે.

પ્રસાદનો અર્થ પરમાત્માની કૃપા પણ લઈ શકાય. પરમાત્માની કૃપા જેના પર વરસે છે તેના અંતરમાં પ્રસન્નતા પ્રગટે છે, અને એ પ્રસન્નતાનું પ્રતિબિંબ વદન પર, વાણીમાં, રોમરોમમાં અને અંગપ્રત્યંગમાં પડે છે.

જીવનમાં આજે પ્રસન્નતા ઘટી ગઈ છે. માનવ પ્રસન્ન દેખાવાનો પ્રયત્ન કરે છે, એવા કીમિયા કરતો દેખાય છે, તો પણ સાચી સ્વાભાવિક પ્રસન્નતા કોઈક બડભાગીને જ પ્રાપ્ત થાય છે. એ સૌ કોઈના જીવનમાં નથી હોતી.

પ્રસન્નતાથી પુલકિત માનવને મળવાનું ગમે છે. એની સાથે ફરવાનું, અને વ્યવહારમાં ઊતરવાનું પસંદ પડે છે. એ અન્યનાં દુઃખોને હળવાં કરે છે. અન્યને માટે આશ્વાસનરૂપ બને છે. એવા માનવને કષ્ટો, વિરોધો, વિઘ્નો, ચલાયમાન નથી કરી શકતાં, જીવનની વિષમતાઓની વચ્ચે એ સુખદ-શાંત સ્મિત કરી શકે છે. એનો જીવનપ્રવાસ હળવો બને છે. એવા માનવનું વદન પ્રસાદનું-પ્રસન્નતાનું સદન હોય છે. એમાંથી પ્રસન્નતાનો પ્રાદુર્ભાવ થાય છે. એવું જીવન કેટલું બધું ઉત્તમ લાગે ? એવી પ્રસન્નતા કોઈક બડભાગીને જ મળે છે.

એક વેપારી ભાઈ કહેતા કે હું સદા પ્રસન્ન રહું છું. મારા જેવો પ્રસન્ન માનવ બીજો કોઈ જ નથી. પરંતુ એ પ્રસન્નતા કેટલી બધી અસ્થાયી હતી તેની ખબર એમને થોડીવારમાં જ પડી ગઈ. વેપારમાં મોટી ખોટ જવાથી એમનું જીવન નીરસ બન્યું, એ શોકમગ્ન બની ગયા, અને આત્મઘાત કરવા તૈયાર થયા. એમને જીવનનો ત્યાગ ના કરવા માટે પુષ્કળ સમજાવવા પડ્યા.

બીજા એક ભાઈ લગ્નપ્રસંગે ખૂબ જ સુખી દેખાયા ને પ્રસન્નતાથી પુલકિત બનીને ફરવા લાગ્યા. સમસ્ત સંસારમાં સૌથી વધારે સુખી એ જ હોય એવું લાગવા માંડ્યું. પરંતુ લગ્ન પછી થોડેક દિવસે એમની પત્નીનો સ્વર્ગવાસ થતાં એમની પ્રસન્નતા ટળી ગઈ. એ અતિશય શોકમગ્ન બની ગયા.

સાનુકૂળ સંજોગોમાં તો પ્રસન્ન રહી શકાય છે પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રસન્નતાથી પુલકિત બનવાનું છે. એવી કળામાં કુશળ થવાનું છે. તમારા મુખમંડળ પરનું સ્મિત એક મહાન મૂડી છે. એને સુકાવા ના દેતા. એને સદાય સાચવી રાખજો. એનું સંવર્ધન કરજો.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 17 guests online

View site in