Friday, April 18, 2014
   
Text Size

સ્વાભાવિકતા

એ દિવસે ફોટોગ્રાફરે ફોટો લેવાની તૈયારી કરતી વખતે એ ભાઈને જણાવ્યું, ‘જરા હસતા રહેજો. મોઢાને થોડુંક મલકતું, હસતું રાખજો. ફોટો ત્યારે જ સારો આવી શકશે.’

ફોટો પડાવનાર ભાઈએ કૃત્રિમ રીતે હસવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન ક્ષણજીવી નીવડ્યો એટલે ફોટોગ્રાફરે વળી કહ્યું, ‘ફોટો લઉં ત્યાં સુધી મનને મજબૂત રાખીને સ્મિત કરતા રહો તો સારું.’

‘પરંતુ મારાથી વધારે સમય સુધી સ્મિત કરી શકાતું જ નથી. આટલું સ્મિત પણ મહામહેનતે કરી રહ્યો છું. એટલે તમે મને હસતા જુઓ તે જ વખતે ફોટો પાડી લો તો સારું. વિલંબ ના કરો.’

પેલા ભાઈના શબ્દો સાંભળીને ફોટોગ્રાફરે ફરી વાર થોડાક સમય સુધી હસતા રહેવા જણાવ્યું; અને અવસરને ઓળખીને તરત જ ફોટો પાડી લીધો. છતાં પણ છેક છેવટની ક્ષણે પાછો પેલા ભાઈનો ચહેરો ગંભીર બની ગયો.

ફોટોગ્રાફરે જણાવ્યું, ‘હવે ફોટો ધાર્યા જેટલો સારો નહીં આવે, એનો દોષ મને ના દેતા. મેં તમને પ્રથમથી જ સૂચના આપેલી.’

દોષ ફોટોગ્રાફરનો પણ હતો કારણ કે એ પેલા ભાઈનો સ્વાભાવિક નહિ પરંતુ કૃત્રિમ ફોટો લેવાની કોશિશ કરી રહેલો. એના મનમાં એવો ભ્રાંત વિચાર પેસી ગયેલો કે સ્મિત કરતા મુખવાળો ફોટો જ આદર્શ અથવા વધારે સારો કહેવાય. ફોટો માનવની નૈસર્ગિક મુખાકૃતિનું પ્રતિબિંબ પાડતી સહજ પ્રતિચ્છબી હોવો જોઈએ એ વાતનો એમને ખ્યાલ જ નહોતો. ફોટો પાડવાની પ્રક્રિયાને એ એક કૃત્રિમ નાટકીય પ્રક્રિયા સમજતા.

આપણામાંના ઘણા એવું સમજતા હોય છે. અસલ નહીં પણ નકલ, કુદરતી નહિ પરંતુ કૃત્રિમનો આપણે દેખાવ કરીએ છીએ. એને આરાધીએ અથવા ઉત્તેજીએ છીએ. પરિણામે આપણા જીવનમાં પણ કૃત્રિમતા આવે છે અને આપણા સમાગમમાં આવનારા બીજા બધા પણ કૃત્રિમ થવાનો, જેવા નથી તેવા દેખાવાનો, તેવી રીતે બોલવાનો, બેસવાનો, ચાલવાનો, જીવવાનો, હસવાનો પ્રયત્ન કરે છે. એવો પ્રયત્ન આપણને ગમે છે. એને લીધે આપણા જીવનની સ્વાભાવિકતા ઘટતી કે મટતી જાય છે. દંભ, દેખાવ, બનાવટ, છેતરપિંડી વધતી જાય છે. શાંતિ મટતી જાય છે ને અશાંતિ વિસ્તરતી રહે છે. આપણે જેવા છીએ તેવા દેખાવાનો, જીવવાનો પ્રયાસ જ નથી કરતા. આપણી સ્વતંત્રતા તથા સુરુચિકરતાનો નાશ થાય છે.

એવા જીવનવ્યવહારથી જુદી રીતે, સ્વાભાવિક રીતે જીવનારા ને જીવવા માગનારા માનવો પણ મળી આવે છે. એમની સંખ્યા ભલે ઓછી હોય, અત્યંત ઓછી હોય, પરંતુ એમનો આત્યંતિક અભાવ નથી. એમને મળીને આનંદ થાય છે, સંતોષ સાંપડે છે. એ અવનીના અલંકાર લાગે છે.

એક સદ્ ગૃહસ્થને એમનાં શ્રીમતીજીએ સૂચના આપી કે આજે આપણે ઘેર પેલા પ્રતિષ્ઠિત પુરૂષો મળવા આવવાના છે માટે સંભાળીને બેસજો, બોલજો, ને પેલાં ક્રીમ કલરનાં રેશમી કપડાં પહેરજો. એ સદ્ ગૃહસ્થે સ્વસ્થતાપૂર્વક શાંતિથી જણાવ્યું કે તારી સૂચના માટે આભાર. તારી સૂચનાઓ સદા આવી જ હોય છે. છતાં પણ હું મારી ઈચ્છા પ્રમાણે કરતો રહું છું. હું જેવી રીતે રોજ રહું છું, બોલું છું, તેવી રીતે જ રહીશ, બેસીશ ને બોલીશ. રોજનાં જ વસ્ત્રો પહેરીશ. કોઈના માટે આવશ્યક દેખાવ કે દંભ નહીં કરું. જેવો છું તેવો જ રહીશ.

એ સદ્ ગૃહસ્થે એમને ત્યાં પધારેલા ફોટોગ્રાફરને પણ એની સ્મિત કરવાની સૂચનાને સાંભળીને જણાવ્યું કે હું જેવો છું તેવો જ સ્થૂળ રીતે ફોટામાં પ્રતિબિંબિત બનું એવી મારી ઈચ્છા છે. માટે મારો સહજ ફોટો લઈ લો. એ ફોટો મારો અસલ ફોટો હશે, નકલી ફોટો નહીં હોય. ફોટોગ્રાફરે અવારનવાર દલીલો કરી પરંતુ એમનું કાંઈ વળ્યું નહીં. છેવટે એમને પેલા સદ્ ગૃહસ્થનો સહજ, સ્વાભાવિક, નૈસર્ગિક ફોટો જ લેવો પડ્યો. એ ફોટાની નીચે પેલા સદ્ ગૃહસ્થે સુંદર શબ્દોમાં લખ્યું—સ્વાભાવિક ફોટો-જેવો છું તેવો જ.

જીવનમાં આપણે પણ જેવા છીએ તેવા જ નૈસર્ગિક રીતે જ, કોઈ પણ પ્રકારની બનાવટ સિવાય, કોઈનીય આંખે ઊંધા ચશ્માં પહેરાવવાના પ્રયાસો કરવાને બદલે, આપણા મૂળ સહજ સ્વરૂપે રહેવાની ને જીવવાની કોશિશ કરીએ તો ? આપણને અને બીજા બધાને કેટલો બધો લાભ થાય ? જીવનની અનેકવિધ સમસ્યાઓ સહેલાઈથી ઊકલી જાય. આપણને સહજ રીતે જીવવાનો સંતોષ મળે. એ સંતોષ શાંતિમાં, ઊંડી સનાતન શાંતિમાં પરિણમે. તો આવો, આજથી, અત્યારથી જ સ્વાભાવિક રીતે જીવવાનો, જીવનના પ્રત્યેક વ્યવહારમાં સ્વાભાવિકતા લાવવાનો સંકલ્પ કરીએ. એ શુભ સંકલ્પને વળગી રહીએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi 
07.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 15 guests online

View site in