Thursday, May 17, 2012
   
Text Size

શ્રેય અને પ્રેય

કઠ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે-

श्रेयश्च प्रेयश्च मनुष्यमेतस्तौ सम्परीत्य विविनक्ति धीरः ।
श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥२॥

સંસારમાં શ્રેય અને પ્રેય નામના દ્વિવિધ માર્ગો છે. વિવેકી પુરુષ એમનો સુચારુરૂપે વિચાર કરે છે. આત્મોન્નતિને લક્ષમાં લઈને એની સિદ્ધિને માટે જ્ઞાની-પુરુષ શ્રેયને પસંદ કરે છે અને જીવનના ધારણપોષણને મહત્વનું માનીને મંદબુદ્ધિનો માનવ પ્રેયને પસંદ કરે છે.

શ્રેય એટલે આત્મવિકાસની સાધના દ્વારા થનારું આત્મકલ્યાણ અને પ્રેય એટલે સાંસારિક સમુન્નતિ. પંખીની બંને પાંખની પેઠે જીવનવ્યોમમાં સારી રીતે વિહરવા માટે માનવને એ બન્નેની આવશ્યકતા છે. વર્તમાનકાળમાં માનવનું મેઘાવી મન જીવન સાથે સંબંધ ધરાવનારા પ્રત્યેક વિષય કે પદાર્થને, જીવનમાં પેદા થનારી પ્રત્યેક સમસ્યાને, અનોખી રીતે, વિશાળતાપૂર્વક વિચારે છે તથા મૂલવે છે. સાંપ્રત સમયમાં માનવનું મન અશાંતિને, અસ્વસ્થતાને અને વિસંવાદિતાને અનુભવે છે. અશાંતિનો, અસ્વસ્થતાનો, વિસંવાદિતાનો અંત આણવા માટે શ્રેયને એટલે કે આત્મિક ઉન્નતિના અભ્યાસક્રમને અપનાવવાની આવશ્યકતા છે. સુવિચારશીલ માનવો એ વાતને સમજતા જાય છે. એટલે કે સત્સંગ, સ્વાધ્યાય, સંકીર્તન અને ધ્યાનના કાર્યક્રમો વધતા જાય છે. આત્મોન્નતિને અપનાવ્યા સિવાય શાંતિ સાંપડવાનો સંભવ અત્યંત ઓછો છે.

પરંતુ એનો અર્થ એવો નથી કે જીવનમાં એકલા આત્મકલ્યાણનું અથવા શ્રેયનું જ મહત્વ છે, અને પ્રેયનું નથી. પ્રેય અથવા સાંસારિક સમુન્નતિ, સમૃદ્ધિ અથવા સુખાકારી વિના જીવન સર્વાંગીણ બની શકે નહીં. ભૌતિક સુધારણાના ક્ષેત્રનો આપણે અનાદર કરવા નથી માગતા. એવો અનાદર અનુચિત અનાવકારદાયક અને અસ્થાને છે. માનવ કેવળ બાહ્ય સુખોપભોગની પાછળ પડે છે, એને મેળવવાની પ્રવૃત્તિ આદરે અને એમાં આસક્તિ કરીને આત્માને ભૂલી જાય અથવા આત્મવિકાસની અવજ્ઞા કરે એ આપણે નથી ઈચ્છતા. તેમ એવું પણ નથી ઈચ્છતા કે જીવનમાં આત્મોન્નતિને જ અગત્યની માનવામાં આવે. ભૌતિક અને આત્મિક બંને પ્રકારની ઉન્નતિને જીવનમાં સાધવામાં આવે એ આવકારદાયક છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવનમાં ભૌતિક અને આત્મિક ઉભયવિધ વિકાસના સમન્વયની આવશ્યકતા છે. એવો સમન્વય જ શ્રેયસ્કર થઈ પડશે.

કેટલાક માણસો માને છે કે આત્મોન્નતિની એકાંતિક સાધના તો જીવનના ઉત્તરકાળમાં કરાવી જોઈએ. અત્યારે જે સોનેરી સમય સાંપડ્યો છે તે સમય દરમિયાન સાંસારિક સમુન્નતિને સાધીએ અને સુખોપભોગ કરી લઈએ. પરંતુ એવી માન્યતા બરાબર નથી. પહેલાં સાંસારિક સુખાકારી કે સમુન્નતિ અને પછી આત્મોન્નતિ એવી ભેદદૃષ્ટિ યોગ્ય ના કહેવાય. કોને ખબર છે કે વર્તમાન જીવનની પરિસમાપ્તિ ક્યારે થશે ? જીવનના સોનેરી સમયને અથવા જીવનની વસંતઋતુને આત્મોત્કર્ષની સાધનામાં લગાડી દેવી જોઈએ. ભર્તૃહરિ મહારાજે વૈરાગ્યશતકમાં કહ્યું છે કે-

यावत्स्वस्थमिदं शरीरमरुजं यावज्जरा दूरतो ।
यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः ॥
आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् ।
संदीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥

અર્થાત્ આત્મોન્નતિનું અને સાંસારિક સમુન્નતિનું કાર્ય યુવાવસ્થામાં જ થાય એ આવશ્યક છે. એ બંને કાર્યો સાથે કરાવાં જોઈએ. દિવસમાં સવારે તથા સાંજે ધ્યાન, જપ, સ્વાધ્યાયનો કાર્યક્રમ ગોઠવીને એને વફાદાર રહેવું અને દિવસના બીજા ભાગ દરમ્યાન સંસારની પ્રવૃત્તિ કરવી, તે પણ જાગૃતિપૂર્વક, જીવનના વિકાસમાં મદદ મળે તે માટે કરવી. તેવી રીતે જીવનમાં શ્રેય અને પ્રેયનો સમન્વય સાધવાથી શાંતિ સાંપડશે. જીવન વધારે ને વધારે રસમય, આહલાદક, સ્વસ્થ અને શાંતિપ્રદ બનશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

I know God will not give me anything I can't handle. I just wish He wouldn't trust me so much.
- Mother Teresa 
09.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 23 guests online

View site in