Text Size

ધર્મભાવના

વાત દેખીતી રીતે જ સાધારણ હતી. એક પરમપવિત્ર પરમાત્માપરાયણ વિરક્ત સંતપુરૂષને એમના ભક્તજનો તરફથી મુંબઈમાં એક શ્રીમંતને ત્યાં ઉતારવામાં આવેલા. બંને એકમેકથી અપરિચિત હોવા છતાં પેલા શ્રીમંત સદ્ ગૃહસ્થે સંતપુરૂષનું ખૂબ જ સ્નેહપૂર્વક અસાધારણ ઉમળકા સાથે સ્વાગત કર્યું. સંતપુરૂષ આત્મીય લાગ્યા. જાણે કેટલાય વખતથી એકમેકને ઓળખતા ના હોય એવું અનુભવાયું. પોતાના સ્વજનોને ને સન્મિત્રોને બોલાવીને એમણે એ અમૂલ્ય અવસરને અનુરૂપ સંતપુરૂષનો સત્સંગ ગોઠવ્યો. એથી સંતપુરૂષને સંતોષ થયો. પોતાનું આગમન સાર્થક લાગ્યું.

પેલા સત્પુરૂષને શ્રીમંત સદ્ ગૃસ્થ રોજ પરમ આદરભાવથી પ્રણામ કરતા. એમનાં સંતાનો પણ પગે લાગતાં. પરંતુ તેમની પત્ની પ્રણામ ના કરતી. સદ્ ગૃસ્થ એને કહેતા કે પાસે જઈને પ્રણામ તો કર. પ્રણામ કરવાથી નુકશાન નથી, લાભ જ છે. પવિત્ર ને પૂજ્ય પુરૂષોને પ્રણામ કરવાનું આપણું કર્તવ્ય છે. પરંતુ એમની પત્નીને એમના શબ્દોની અસર નહોતી થતી. એને પ્રણામ કરતાં નહોતું આવડતું એમ નહિ, પરંતુ એના ગુરૂએ જણાવેલું કે મારા સિવાય બીજા કોઈને પ્રણામ ના કરવા. એટલે ગુરૂના વચનને વળગી રહીને એ સન્નારી પ્રણામ ના કરતી. સંતને જોઈને મોં પણ ના મલકાવતી. શિષ્ટાચાર, સ્વાગત, સેવાભાવના બે શબ્દો પણ ના બોલતી.

સંતપુરૂષને એનો હર્ષશોક ન હતો. ના હોય, પરંતુ પેલા શ્રીમંતને એવો વ્યવહાર આદર્શ અથવા સારો નહોતો લાગતો. છતાં પણ બીજો કોઈ ઉપાય ન હતો. પેલી સન્નારીના મનમાં ગુરૂની વાત ઠસી ગયેલી. એના મનમાં સુધાર ના થાય ત્યાં સુધી બીજું કશું શક્ય જ ન હતું. મનની સુધારણા સદ્ વિચારથી જ થતી હોય છે અને સદ્ વિચાર સત્પુરૂષો પાસેથી જ પ્રાપ્ત થાય છે. સત્પુરૂષો આપણને સમજાવે છે-શીખવે છે કે, માતાપિતાને, વડીલોને, પૂજ્યને, પવિત્ર જનોને, સંતપુરૂષને, દેવ મંદિરોને, એમની પ્રતિમાઓને, આચાર્યને, ગુરૂને કે સદ્ ગ્રંથોને પ્રણામ કરવા એ સર્વસામાન્ય શિષ્ટાચાર કહેવાય છે. એનાથી આગળ વધીને સૌમાં પરમાત્માનો પરમપ્રકાશ પેખાશે ત્યારે સૌને-સમસ્ત જગતને પ્રણામ કરાશે. જગતના રૂપમાં રહેલા જગદીશ્વરને નમાશે. પ્રણામ નમ્રતાને સૂચવે છે, વિનય દર્શાવે છે, પવિત્રતા, સંયમશીલ સદ્ ભાવ તથા આદરભાવ અને ઋણસ્વીકાર સૂચવે છે. પોતે જેમના પ્રત્યે વિશેષ પૂજ્યભાવ રાખતા હોય તેવા ગુરૂને વિશેષ પ્રણામ કરવામાં આવે એ સમજાય તેવું છે. પરંતુ બીજાનો અનાદર કે બીજાની ઉપેક્ષા થાય તે બરાબર નથી. બીજાને વિશેષ નહિ તો માનવસહજ મર્યાદામાં રહીને સામાન્ય પ્રણામ તો અવશ્ય કરીએ. એમાં આપણી માનવતા, શોભા, વિદ્યા, સંસ્કારિતા, સજ્જનતા સમાયલી છે તે ના ભૂલીએ. ગુરૂ સિવાય બીજા કોઈને પ્રણામ થઈ જ ના શકે ને અન્ય કોઈ પ્રણમ્ય હોઈ જ ના શકે એવી માન્યતા અનુચિત છે. ભૂલભરેલી છે. આદર્શ અથવા સાચી નથી.

પોતાને ત્યાં આવનારા અતિથિ સાથે વાત જ ના કરવી, એક અક્ષર પણ ના ઉચ્ચારવો, એમના પ્રત્યે સેવાભાવ ના પ્રગટાવવો, મોં પણ ના મલકાવવું, એ વૈરાગ્યની, જ્ઞાનની અથવા આત્મનિષ્ઠાની નિશાની નથી, પરંતુ બેદરકારી છે, જડતા છે, અજ્ઞતા છે, જવાબદારીનો અભાવ છે. એ કર્તવ્યનું પાલન નહીં, કર્તવ્યનો અનાદાર સૂચવે છે. આપણે ગમે તે ધર્મને, પંથને, મતમતાંતરને, સંપ્રદાયને, ગ્રંથને કે ગુરૂને માનીએ એનો અર્થ એવો નથી કે અન્યને માનનારા પ્રત્યે ઉપેક્ષા સેવીએ, અન્યને માટે અનાદર રાખીએ. માનવતાનું અને એને અનુરૂપ એવા વિમળ વ્યવહારનું દર્શન તો આપણા જીવનમાં થવું જ જોઈએ. જીવનની સાચી શોભા એમાં જ છે. ધર્મભાવનાની અભિરુચિ રાખનારે તો આ વાતને ખાસ સમજી લેવી જોઈએ. ધર્મભાવના ધર્મમય વ્યવહારથી સંપન્ન હોવી જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

We turn to God for help when our foundations are shaking, only to learn that it is God who is shaking them.
- Unknown