Text Size

મનઃ પૂતં સમાચરેત્

આપણે ત્યાં આદર્શ જીવનવ્યવહારનાં કેટલાંક ઉપયોગી કલ્યાણકારક-ઉન્નતિમૂલક ઉપદેશવચનો કહેવામાં આવ્યાં છે. એવાં જ સુંદર સર્વોપયોગી શ્રેયસ્કર ઉપદેશવચનોનો આખો શ્લોક છે. એ શ્લોકનાં ચારે ચરણ અગત્યનાં છે. એમનો અર્થ એવો થાય છે કે જે પણ પગલાં ભરવાં તે દ્રષ્ટિથી પવિત્ર કરીને, જોઈ-વિચારીને, વિવેકથી અથવા સદ્ બુદ્ધિથી સંપન્ન બનીને ભરવાં. આંધળુકિયા કરીને આગળ ના વધવું. વસ્ત્રથી ગાળીને પાણી પીવું. જે વચનો ઉચ્ચારવામાં આવે તે સત્યથી પવિત્ર બનાવીને ઉચ્ચારવાં. સત્ય બોલવું તથા પ્રિય બોલવું અથવા મધુભાષી થવું. એવી સૂચનાનો ખ્યાલ રાખવો અને જે પણ વ્યવહાર કરવામાં આવે તે મનથી પવિત્ર કરીને, મન લગાડીને, સુચારુરૂપે વિચારીને અથવા સદ્ વિચારને અનુસરીને કરવો.

જીવન જીવવાની કલ્યાણકારક કળાનો વિચારવિનિમય કરનારા મહાપુરૂષોએ એ વાતને ઉપદેશી છે અને માન્ય રાખી છે. એમણે પ્રકારાંતરે સૂચવ્યું છે કે જીવન જેમતેમ જીવવા જેવું નથી. એ વેઠ નથી, બોજો નથી, અભિશાપ નથી. એને સારી પેઠે સમજીને, સદ્ વિચારનો સમાશ્રય લઈને, સફળતાપૂર્વક, સુખ અને શાંતિ સહિત સમુન્નતિના મંગલ માર્ગે ઉત્તરોત્તર આગળ વધાય એવી રીતે જીવતાં શીખવાનું છે, જેથી એ આનંદ આપે અને આશીર્વાદરૂપ બની શકે. જીવન જીવવું એ પણ એક મહાન કલ્યાણકારક કળા છે. એ કળાથી સુપરિચિત થવાની અને એમાં કુશળ બનવાની આવશ્યકતા છે.

આપણી આજુબાજુના જગતનું નિરીક્ષણ કરતાં દેખાય છે કે મોટા ભાગના માનવો કર્માનુષ્ઠાન કરે છે, કિન્તુ કરવું પડે છે માટે કરે છે. જે પ્રવૃત્તિ કે કર્મનો આધાર લેવામાં આવે છે એ કેટલીક વાર યાંત્રિક રીતે, આધાર લેવાને ખાતર અથવા આદતને લીધે, ભય, આશંકાની અનિવાર્યતાને લીધે લેવામાં આવે છે. દેખાદેખીથી કે લોકલાજને લીધે લેવામાં આવે છે. આવેશ અથવા ઉશ્કેરાટને લીધે લેવામાં આવે છે. એની પાછળ વિવેકનું પીઠબળ નથી હોતું. જે વિચાર પેદા થાય છે એ આચારમાં અનુવાદિત થાય છે તેની પહેલાં એને તપાસવામાં નથી આવતો. એના સારાસારનો વિચાર કરવામાં નથી આવતો. વિચાર ક્યારે ઊઠ્યો, અમુક કાર્યને કરવાની ઈચ્છા ક્યારે ઉદ્ ભવી, અને એનો અમલ ક્યારે ને કેવી રીતે થયો, તેની ખબર પણ કેટલીક વાર નથી પડતી. ઉપર્યુક્ત ઉપદેશવચન આપણને એ પરિસ્થિતિમાંથી છૂટવાનો અને અન્ય ઉપયોગી અધિક આશીર્વાદરૂપ જીવનપદ્ધતિને અપનાવવાનો સંદેશ આપે છે.

જે પણ વ્યવહાર કરવામાં આવે તે વ્યવહાર મનથી પવિત્ર કરીને કરવો, એવું વિધાન સૂચવે છે કે આપણો વ્યવહાર અથવા આચાર પવિત્ર હોવો જોઈએ. પવિત્ર વ્યવહાર અથવા આચાર માટે મનને પવિત્ર કરતાં શીખવું જોઈએ. મનના વિચારો, ભાવો, સંકલ્પો, વિકલ્પોને પવિત્ર કરવા જોઈએ. એ પછી જ એમનો અમલ અથવા આચારમાં અનુવાદ કરવો જોઈએ. વસ્ત્રને પાણી તથા સાબુની મદદથી નિર્મળ કરવામાં આવે છે તેમ વિચાર કે ભાવને સદ્ બુદ્ધિની સહાયતાથી વિશદ બનાવીને આચારમાં ઉતારવો જોઈએ. એવું કરીએ તો વિચારો કે ભાવો વિનાશક બનવાને બદલે પોષક બની જાય, આત્મોન્નતિમાં મદદરૂપ થાય. મનને નિર્મળ અને સદ્ બુદ્ધિથી સંપન્ન બનાવીને એવી ભૂમિકા પર પહોંચાડવું જોઈએ કે એ ચાળણીનું કામ કરે. શુભાશુભનો, ગ્રાહ્યત્યાજ્યનો વિચાર કરે, અને વિચારો, ભાવો તથા સંકલ્પોને તપાસે કે ચકાસે. આવશ્યકતા પ્રમાણે ગ્રહણ કરે અને છોડી દે. વિશદ જીવનવ્યવહારને માટે એવી ભૂમિકાની આવશ્યકતા છે. સદ્ બુદ્ધિની મદદથી વિશદ બનેલા ભાવો કે વિચારોમાં અડગ શ્રદ્ધાબળ પેદા થાય છે. એમનો અમલ કરવામાં પૂરેપૂરી શક્તિથી ને ભક્તિથી લાગી જવાય છે. એમની ઉપકારકતામાં શંકા કે ભ્રમણા નથી રહેતી. પરિપક્વ ને પવિત્ર વિચાર પછીનો આચાર સહજ, સમજપૂર્વકનો, સંપૂર્ણ શક્તિશાળી બને છે. એ સંદર્ભમાં એ વિધાન ખૂબ જ ઉપયોગી છે - મનઃપૂતં સમાચરેત.

ધારો કે માણસને ચોરી કરવાનો જ વિચાર આવ્યો. હિંસા, વિશ્વાસઘાત, વ્યભિચાર, વ્યસનનો ભાવ પેદા થયો, એવે વખતે એણે પોતાની જાતને પૂછવું જોઈએ કે મારે માટે ચોરી, હિંસા, વ્યસન, વ્યભિચાર કે વિશ્વાસઘાત યોગ્ય છે ? મારા ને બીજાના હિતમાં છે ? સમાજના વિશાળ હિતમાં છે ? સામાજિક સ્થિરતા કે શાંતિની દ્રષ્ટિએ આવકારકદાયક કે કલ્યાણકારક છે ? તન-મન-અંતર અથવા જનજીવનને માટે લાભકારક છે કે હાનિકારક ? એવી રીતે એ વિચાર કે ભાવને પ્રથમ મનથી પરિમાર્જિત કરવો જોઈએ. એવી રીતે કરવાથી, વિચારવાથી, વિકૃત વિચારોની હાનિકારકતા અથવા અસારતા સમજાશે અને એમનો ત્યાગ કરવાનું શક્ય બનશે. એથી ઊલટું, સદ્ ભાવો અને સદ્ વિચારોને અપનાવવાનું, દ્રઢતાપૂર્વક વળગી રહેવાનું અને આચારમાં ઉતારવાનું પણ સહજ બનશે.

જે સારી રીતે વિચારીને સદ્ બુદ્ધિનો આધાર લઈને આગળ વધે છે એને કદી પસ્તાવું નથી પડતું. એ કદી પણ વિપથગામી નથી બનતો. જીવનના વિકાસના મંગલ માર્ગે આગળ વધીને પોતાના ગંતવ્યસ્થાનને—સિદ્ધિશિખરને સહેલાઈથી સર કરે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore